જાણીતા પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિકે એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને ચાહકોની ચિંતા વધારી દીધી છે. અલકા યાજ્ઞિકે પોતાને બહેરાશ આવી ગયા હોવાની અને તેના કારણે એક અલગ ડિસઓર્ડરનો ભોગ બની હોવાની વાતનો ખુલાસો કર્યો છે. આ સાથે તે ઘણા લાંબા સમયથી કેમ નિષ્ક્રિય છે તે અંગે પણ સ્પષ્ટતા કરી છે. અલકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતી વખતે લખ્યું હતુંઃ ‘મારા બધા ચાહકો, મિત્રો, અનુયાયીઓ અને શુભેચ્છકો માટે... થોડાં અઠવાડિયાં પહેલાં જ્યારે હું ફ્લાઈટમાંથી ઊતરી ત્યારે મને સમજાયું કે હું કંઈપણ સાંભળી શકતી નથી. આ ઘટનાનાં ઘણાં અઠવાડિયા પછી થોડી હિંમત એકઠી કરીને હું હવે શુભચિંતકોને આ વાત કહી રહી છું જેઓ મને સતત પૂછે છે કે હું ક્યાં ગાયબ છું. મારા તબીબોએ મને વાઇરલ એટેકને કારણે એક દુર્લભ સેન્સરી ન્યૂરલ હિયરિંગ લોસના રૂપમાં બીમારીનું નિદાન કર્યું છે. અચાનક આવેલા મોટા આંચકાથી મને આઘાત લાગ્યો છે. હું મારી જાતે તેનો સ્વીકાર કરવાનો પ્રયાસ કરી રહી છું અને ઇચ્છું છું કે તમે બધા મારા માટે પ્રાર્થના કરો.’ પોસ્ટના અંતમાં અલકાએ લોકોને એવી પણ સલાહ આપી છે કે તેઓ મોટેથી સંગીત ન સાંભળે અને હેડફોનનો બને તેટલો ઓછો ઉપયોગ કરે.
અલકા યાજ્ઞિકે એમ પણ લખ્યું હતું કે ‘કોઈ દિવસ હું ચોક્કસપણે મારી પ્રોફેશનલ લાઈફ અને હેલ્થને થતાં નુકસાન વિશે વાત કરીશ. તમારા બધા પ્રેમ અને સમર્થન સાથે હું મારા જીવનને બહુ જલ્દી પાટા પર લાવવાની આશા રાખું છું. હું જલદીથી ફરી તમારી સામે આવવા ઇચ્છું છું. આ નાજુક સમયે તમારો સાથ અને સમજણ મારા માટે ઘણો અર્થપૂર્ણ છે.’
અલકાની આ પોસ્ટ પર ફેમસ પ્લેબેક સિંગર સોનુ નિગમે કોમેન્ટ કરી છે. તેણે લખ્યું ‘મને લાગતું હતું કે કંઈક ખોટું છે. હું જલદી પાછો આવીશ અને તમને મળીશ.’ સિંગર ઇલા અરુણે લખ્યું હતુંઃ ‘મને આ સાંભળીને ખૂબ જ ખરાબ લાગે છે. પ્રિય અલકા, મેં ફોટો જોયા પછી જ અગાઉ ‘સુંદર’ ટિપ્પણી કરી હતી, પરંતુ પછી મેં કેપ્શન વાંચી અને ખૂબ જ દુ:ખ થયું. હું પ્રાર્થના કરું છું કે તમે જલદી સ્વસ્થ થાઓ.’
ઘણી સેલિબ્રિટીસ આ તકલીફ વેઠી ચૂકી છે
અલકા પહેલી સેલિબ્રિટી નથી કે જેઓ હિયરિંગ લોસની બીમારીનો ભોગ બન્યા છે. દેશવિદેશના અન્ય નામાંકિત સંગીતકારો પણ આ સમસ્યાનો સામનો કરી ચૂક્યા છે. જેમાં કોલ્ડ પ્લેના લીડ સિંગર ક્રિસ માર્ટિન, કેનેડાના પ્રખ્યાત ગીતકાર નીલ યંગ, ઓઝી ઓસ્બર્ન, ફિલ કોલિન્સ, એરિક ક્લેપટન અને બીથોવન જેવી સેલિબ્રિટીસ સામેલ છે.