સિંગર પલક મુછલ આ દિવસોમાં પોતાના સામાજિક સેવાને કારણે ચર્ચામાં છે. આ ગાયિકાએ હૃદય સંબંધિત રોગોથી પીડાતા સેંકડો બાળકોની હાર્ટ સર્જરીના ક્ષેત્રે સીમાચિહન અંકિત કર્યું છે. પલક સાત વર્ષની હતી ત્યારે તેણે પ્રથમ વખત એક બાળકની સર્જરી માટે આર્થિક મદદ કરી હતી તે સમયથી તેણે પાછું વળીને જોયું નથી. વીતેલા સપ્તાહે તેણે 3000 હાર્ટ સર્જરીનો આંક વટાવ્યો છે. પલકના લગ્ન વર્ષ 2022માં થયા ત્યારથી પતિ મિથુન પણ આ સેવાકાર્યમાં સાથ આપી રહ્યા છે. પલક કહે છે કે, આ મિશનમાં તેને તેના પતિ મિથુનનો સતત સહયોગ મળ્યો છે. ગાયિકા કહે છે કે તેણે મને હંમેશા ટેકો આપ્યો, મારા પતિને મારા મિશન સેવિંગ લિટલ હાર્ટ્સ દ્વારા શું પ્રવૃત્તિ થઇ રહી છે તે જાણવામાં ખૂબ જ રસ છે. હું જે પડકારોનો સામનો કરું છું તેની સાથે હું હંમેશા ચર્ચા કરું છું અને તે મને માર્ગદર્શન આપે છે. મને પ્રેરણા આપે છે. પલક કહે છે, મારા કામ માટે તેમનું સાથે રહેવું મને બહુ પ્રોત્સાહન પૂરું પાડે છે. તેમનો સાથ દર્શાવે છે કે હું સાચા રસ્તે ચાલી રહી છું. તે એક ઉદાર વ્યક્તિ છે અને તે એક મહાન આશીર્વાદ પણ છે. તેમના સંગાથે મારા જીવનમાં ઘણું બધું ઉમેર્યું છે.
મિશન સેવિંગ લિટલ હાર્ટ્સ અંતર્ગત પલક મુછલે 11 જૂનના રોજ હૃદયરોગથી પીડાતા ત્રણ હજારથી વધુ બાળકોની સર્જરીનો આંક પાર કર્યો છે. આ અંગે પલક કહે છે, મારી સમગ્ર જર્નીમાં મને ત્રણ સર્જરી એક મોટી માઈલસ્ટોન જેવી લાગે છે. જ્યારે તેની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે હું સાત વર્ષની હતી અને હવે આ પ્રવૃત્તિ મારા જીવનનું એક મોટું મિશન બની ગયું છે. મારી પાસે હજુ પણ લગભગ 413 બાળકો વેઈટિંગ લિસ્ટમાં છે. મારી દરેક કોન્સર્ટ બાળકોની હાર્ટ સર્જરીને સમર્પિત હોય છે. આ મિશન એવા બાળકો માટે આશીર્વાદરૂપ છે જેમના માતાપિતા તેમની હાર્ટસર્જરી કે સારવાર કરાવવા માટે સક્ષમ નથી.