લંડનઃ બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાનને બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસમાં ‘ગ્લોબલ ડાઇવર્સિટી એવોર્ડ ૨૦૧૭’થી સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં લાંબા સમયથી સાંસદ તરીકે કાર્યરત ભારતીય મૂળના કિથ વાઝના હસ્તે આ એવોર્ડ અપાયો હતો. એવોર્ડ માટે વિજેતાની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓને ધ્યાનમાં લેવામાં આવે છે. પૂર્વ નોંધપાત્ર વિજેતાઓમાં લૂઈ હેમિલ્ટન અને જેસી જેક્સનનો પણ સમાવેશ થાય છે. બોલિવૂડમાં અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પછી સલ્લુને આ એવોર્ડ મળ્યો છે.
લેબર પાર્ટીના સાંસદ કિથ વાઝે આ સુપરસ્ટારને એવોર્ડ આપતાં કહ્યું કે, ‘સલમાન ખાન દુનિયાભરના લાખો લોકો માટે રોલ મોડેલ અને હીરો છે. ઇન્ડિયન સિનેમામાં તેમની સફળતા ઉપરાંત, સલમાન જાણીતા ફિલાન્થ્રોપિસ્ટ-પરગજુ વ્યક્તિ પણ છે. તેમની એનજીઓ બીઇંગ હ્યુમને ભારતમાં વંચિત લોકોની જિંદગી બદલવાનું કામ કર્યું છે. તેમને આ એવોર્ડ અર્પણ કરવાનું બહુમાન મને મળ્યું તેનો મને આનંદ છે. મને ગર્વ છે કે, દુનિયાભરમાં એશિયન યંગસ્ટર્સને સલમાન જેવો રોલ મોડલ મળ્યો છે.’
આ એવોર્ડને ખૂબ જ મોટું સન્માન ગણાવતા સલમાને કહ્યું હતું કે, ‘મારા પિતાએરે ક્યારેય એમ નહિ વિચાર્યું નહિ હોય કે, અહીં મને આ સન્માન મળશે. મને આ સન્માન મળવા બદલ હું તમામ ફેન્સનો આભાર માનું છું. અત્યાર સુધી મને ઘણા સિનેમા એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે પરંતુ, આ એક એવોર્ડ એવો છે જેનાથી હું ખુદ વિનમ્રતા અનુભવું છું.’
ફોટોસૌજન્યઃ રાજ ડી. બકરાનીઆ, Prmediapix