સુપ્રસિદ્ધ ફિલ્મમેકર, લેખક, પત્રકાર અને કવિ પ્રીતિશ નંદીનું 73 વર્ષની વયે સાઉથ મુંબઈ સ્થિત નિવાસસ્થાને હૃદયની બિમારીને કારણે નિધન થયું છે. અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા દ્વારા નંદીના નિધનની જાણકારી આપી હતી. તેઓ મહારાષ્ટ્રમાંથી શિવસેનાના રાજ્યસભાના સાંસદ પણ બન્યા હતા. પ્રીતિશ નંદીએ દુરદર્શન પર ‘ધ પ્રીતિશ નંદી શો’ નામનો લોકપ્રિય ટોક શો હોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે અનેક જાણીતાં લોકોના ઈન્ટરવ્યૂ કર્યાં હતાં. 2000ના દસકામાં તેમણે પ્રીતિશ નંદી બેનર હેઠળ ‘સૂર’, ‘કાંટે’, ‘ઝંકાર બીટ્સ’, ‘ચમેલી’, ‘હજારો ખ્વાહીશે ઐસી’ તથા ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મો બનાવી હતી.
નીનાની નારાજગી આજેય જૈસે થે
પ્રીતિશ નંદીના અવસાન પછીનું નીના ગુપ્તાનું રિએક્શન ખૂબ વાઈરલ થયું છે. નંદીના અવસાન સંદર્ભે અનુપમ ખેરે દુઃખ જાહેર કરતાં એક પોસ્ટ મૂકી હતી, જેના કોમેન્ટ સેક્સનમાં નીનાએ આંચકાજનક કોમેન્ટ કરી હતી. તેણે લખ્યું કે કોઈ રેસ્ટ ઈન પીસ નહીં. નીનાએ એમ પણ લખ્યું કે તે ખુલ્લેઆમ પ્રીતિશ નંદીને બાસ્ટર્ડ કહે છે. નીનાની કોમેન્ટ તો હાલમાં ડિલીટ થઈ ચૂકી છે, પરંતુ નીનાએ જે કારણસર આવી ટિપ્પણી કરી હતી તે પ્રસંગ હવે વાઈરલ થયો છે. વાત એમ છે કે પ્રીતિશ નંદી પત્રકાર હતા ત્યારે અપરીણિત નીનાની દીકરી મસાબાનું બર્થડે સર્ટીફિકેટ ચોરી લઇને પોતાના રિપોર્ટ સાથે પ્રકાશિત કરી તેના પિતા (વિવિયન રિચાર્ડ્સ)ની ઓળખ જાહેર કરી દીધી હતી. અનુપમ ખેરની પોસ્ટ સામે નીનાએ લખ્યું હતું કે રેસ્ટ ઈન પીસ જેવું કાંઈ સમજાયું નહી. મારી પાસે એનો પુરાવો છે. તેણે શું કર્યું હતું એ તમે જાણો છો. હું તેને ખુલ્લેઆમ બાસ્ટર્ડ કહું છું. રાજદીપ સરદેસાઈને આપેલા એક જૂના ઈન્ટરવ્યૂમાં પણ નીના ગુપ્તા કહી ચૂકી છે કે પ્રીતિશ નંદી જર્નાલિસ્ટ હતા ત્યારે મસાબાનું જન્મ પ્રમાણપત્ર ચોરી કરી લીધું હતું. પ્રીતિશ નંદી મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યાલયમાં ખોટી ઓળખ આપીને બારોબાર મસાબાનું જન્મ પ્રમાણપત્ર લઈ આવ્યા હતા. બાદમાં નીનાને કહેવાયું હતું કે પ્રમાણપત્ર તો તમારા કોઈક સગાં લઈ ગયા છે. તે પછી આર્ટિકલ લખાઈ ગયો. વાત એમ હતી કે મસાબાના પિતા વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ હોવાની વાત નીના ગુપ્તા છુપાવવા માગતી હતી.