બોલિવૂડમાં ‘પ્રેમ’ નામ સાંભળતા જ તરત નજર સામે સલમાનની છબિ આવી જાય છે. સલમાને સૂરજ બડજાત્યાની ઘણી બધી ફિલ્મોમાં ‘પ્રેમ’ની ભૂમિકા નિભાવી છે. જોકે સૂરજ બડજાત્યા હવે બોલિવૂડને એક નવા ‘પ્રેમ’ની ભેટ આપવા જઈ રહ્યા છે. સૂરજ બડજાત્યા પોતાની આગામી ફિલ્મમાં કાર્તિક આર્યનને કાસ્ટ કરી શકે છે. સૂરજ બડજાત્યા આમ તો પોતાના નવા પ્રોજેક્ટ ‘પ્રેમ કી શાદી’માં સલમાન ખાનને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ સલમાન પોતાની કારકિર્દીના આ તબક્કે રોમેન્ટિક ફિલ્મો કરવા ઈનકાર કરી રહ્યો છે. આથી સૂરજ બડજાત્યા ફિલ્મમાં બીજા અભિનેતાને કાસ્ટ કરવા માંગે છે.
પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ સૂરજ બડજાત્યા ફિલ્મમાં કાર્તિક આર્યનને કાસ્ટ કરવા મન બનાવી રહ્યા છે. સૂરજ બડજાત્યાએ તે સંદર્ભમાં કાર્તિક આર્યન સાથે વાતચીત પણ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૂરજ બડજાત્યા કોઈ એવા અભિનેતાની શોધમાં છે જે સ્ક્રીન પર માસૂમ દેખાય. બડજાત્યાને કાર્તિક આર્યનમાં માસૂમિયત દેખાઈ છે. તેથી બડજાત્યા કાર્તિક આર્યનને કાસ્ટ કરવા મન બનાવી ચૂક્યા છે.