પ્રસિદ્ધ લેખક અને ગીતકાર જાવેદ અખ્તરને હૃદયનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ સન્માન તેમને હૃદયેશ આર્ટ્સની ૨૮મી જયંતી અને પ્રખ્યાત સંગીતકાર હૃદયનાથ મંગેશકરની ૮૦મી જન્મજયંતીના અવસરે યોજાયેલા કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. જાવેદ અખ્તરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ એવોર્ડ મંગેશકર પરિવાર તરફથી મળ્યો એટલે એમના માટે એ સર્વોચ્ચ એવોર્ડમાંથી એક છે. જાવેદે લતા મંગેશકરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તેમણે મને ગીતકાર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
તેમણે કહ્યું કે, ‘સિલસિલા’ ફિલ્મ બનાવવાની હતી તે વખતે ફિલ્મનિર્માતા અને ડિરેક્ટર યશ ચોપરાસાહેબ મારા ઘરે આવ્યા હતા. તેઓએ મને કહ્યું હતું કે, મારે મારી નવી ફિલ્મ માટે તમારી પાસે ગીતો લખાવવા છે. એ સમયે મેં કહ્યું કે જી, હું ફક્ત મારા માટે જ કવિતાઓ લખું છું, પરંતુ તેમની જીદ આગળ હું હારી ગયો અને એ ફિલ્મથી લેખક સાથે સાથે ગીતકાર પણ બની ગયો.
જાવેદે વધુમાં કહ્યું કે ઘણા લાંબા સમય પછી મને ખબર પડી કે લતા મંગેશકરે જ ચોપરાને મારી પાસે મોકલ્યા હતા અને ‘સિલસિલા’ માટે ગીત લખાવવાની વાત કહી હતી. લતા મંગેશકરે પણ જાવેદ અખ્તરના વખાણ કરતાં કહ્યું હતું કે તેમના જેવા ગીતકારના ગીત ગાવા એ પોતાના માટે ગર્વની વાત છે.