સૈફ અલી ખાનને છરીના છ ઘા ઝીંકનાર હુમલાખોર ઝડપાયો

Wednesday 22nd January 2025 03:44 EST
 
 

બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર તેના ઘરમાં જ થયેલા જીવલેણ હુમલાના 70 કલાક બાદ મુંબઇ પોલીસે મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શેહઝાદા નામના 30 વર્ષના બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ કરી છે. બુધવાર - 16 જાન્યુઆરીની મધરાત્રે બે વાગ્યે મોહમ્મદ ચોરી કરવાના ઇરાદે સૈફના હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં ઘુસ્યો હતો અને ઉગ્ર બોલાચાલી બાદ સૈફને છરીના છ ઘા ઝીંકી દઇને નાસી જતાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. આ હુમલામાં સૈફ અલી ખાનને પીઠ અને ગરદનના ભાગે ગંભીર ઇજાઓ સાથે તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સર્જરી બાદ હવે તેની તબિયત સુધારા પર જણાતા મંગળવારે હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. સૈફ અલી ખાનનો આ હુમલામાં ચમત્કારિક બચાવ તો થયો છે, પરંતુ મુંબઈમાં સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
મહારાષ્ટ્ર પોલીસના સિનિયર ઓફિસર દીક્ષિત ગેડમે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે ચોરીના ઇરાદે જ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો. તે ચારેક મહિના પૂર્વે ગેરકાયદે ભારતમાં પ્રવેશ્યો હતો. તેની પાસે કોઇ ભારતીય ડોક્યુમેન્ટ નથી. તેની પાસેથી કેટલીક વસ્તુઓ મળી છે, જે દર્શાવે છે કે તે બાંગ્લાદેશી છે. તે બિજોય દાસ નામ રાખીને છેલ્લા ચાર મહિનાથી મુંબઇમાં રહેતો હતો અને એક હાઉસકીપિંગ કંપનીમાં કામ કરતો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આરોપી મોહમ્મદ 16 જાન્યુઆરીએ મધરાત્રે સૈફના એપાર્ટમેન્ટમાં ઘૂસ્યો હતો અને તેના નાના પુત્ર જેહના રૂમની બહાર હુમલો કર્યો હતો. 12 માળના એપાર્ટમેન્ટમાં હુમલાને સમયે તેની પત્ની કરીના કપૂર અને તેમના બે પુત્રો, ચાર વર્ષનો જેહ અને આઠ વર્ષનો તૈમૂર તેમજ ઘરના પાંચ સહાયકો હાજર હતાં. પોલીસને આપેલા નિવેદનમાં જેહની મેઇડ એલિયામા ફિલિપે જણાવ્યું હતું કે તેને સશસ્ત્ર હુમલાખોરનો પ્રથમ સામનો કર્યો હતો. હુમલાખોરે રૂ. એક કરોડ માંગ્યા હતાં. ઘૂસણખોર રાતના સમયે તે ઘૂસી ગયો હતો. હુમલો કર્યા પછી તે સીડીથી ઉતરીને ભાગી જવામાં પણ સફળ થયો હતો. રાત્રિની ભયાનક ઘટનાઓનું વર્ણન કરતાં ફિલિપે કહ્યું કે તે જેહના રૂમમાં ફ્લોર પર સૂઈ રહી હતી અને કોઇ અવાજ સંભાળાતા જાગી ગઈ ગઈ હતી અને જોયું કે એક માણસ સૂતેલા જેહ તરફ જતો હતો. આ માણસ પાસે એક લાકડી અને લાંબી હેક્સા બ્લેડ હતી. હુમલાખોરે મને કોઇ અવાજ ન કરવાની ધમકી આપી હતી. ઝપાઝપીમાં તેણે મારા પર બ્લેડ વડે હુમલો કર્યો હતો. મને મારા કાંડા પર ઈજા થઈ હતી. મારી ચીસ સાંભળીને સૈફ અલી ખાન અને કરીના તેમના રૂમમાંથી બહાર દોડી આવ્યા હતાં. સૈફ વચ્ચે પડતાં ઘુસણખોરે તેના પર હુમલો કર્યો હતો, અને ધારદાર શસ્ત્રના ઘા ઝીંકી દીધા હતા. સીસીટીવી ફૂટેજમાં કથિત હુમલાખોર લાલ સ્કાર્ફ પહેરીને બેકપેક લઈને સતગુરુ શરણ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી સીડીઓ નીચે ઉતરતો દેખાય છે.
આ સનસનાટીભર્યા ગુનાનો ઉકેલ લાવવા માટે મુંબઈ પોલીસે 10 ટીમોની રચના કરી હતી. લીલાવતી હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું હતું કે સૈફનો આ ચમત્કારિક બચાવ હતો. તેની કરોડરજ્જુમાંથી બ્લેડનો 2.5 ઇંચનો ટુકડો બહાર કઢાયો હતો. તેને છ ઈજાઓ થઈ હતી, જેમાં બે નાની, બે મધ્યમ કક્ષાની અને બે ઊંડી ઈજાઓ છે.
તો કાયમી લકવાનું જોખમ હતું
હુમલામાં ગંભીરપણે જખમી સૈફ અલી ખાનની તબિયત ખૂબ સારી છે અને બે-ચાર દિવસમાં કદાચ તેને રજા અપાશે, એમ ડોક્ટરોએ જણાવ્યું હતું. જોકે, ડોક્ટરોએ એમ પણ જણાવ્યું હતું કે સૈફને કરોડરજ્જુ પાસે જ ચાકુનો ઊંડો ઘા મારવામાં આવ્યો હતો. જો આ ઘા વધુ બે ઈંચ જેટલો ઊંડો હોત તો તેને કાયમી પેરેલિસિસ થઈ જવાનું પણ જોખમ હતું. સદભાગ્યે સૈફ એ જોખમમાંથી ઉગરી ગયો છે. આરોપીએ 54 વર્ષીય સૈફ પર ધારદાર શસ્ત્રથી છ વાર કર્યા હતા. સૈફ પર લિલાવતી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં સર્જરી કરાઇ હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે તેને કરોડરજ્જુના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ત્યાંથી સતત સ્પાઈનલ ફ્લુઈડ નીકળી રહ્યું હતું. સ્પાઈન પાસે જ ચાકુનો અઢી ઈંચનો ટૂકડો ફસાયેલો હતો. તેને કાઢવા પાંચ કલાક ઓપરેશન ચાલ્યું હતું. ડોક્ટરોએ કહ્યું હતું કે સૈફ હોસ્પિટલમાં ચાલતો ચાલતો જ આવ્યો હતો. તેણે સ્ટ્રેચરનો ઉપયોગ કર્યો ન હતો. એક સિંહની જેમ મર્દાનગીથી તે ચાલ્યો હતો. તેની સાથે ત્યારે તેનો આઠ વર્ષનો પુત્ર તૈમુર પણ હતો. લીલાવતી હોસ્પિટલના ન્યુરોસર્જન ડો. નિતિન ડાંગેએ જણાવ્યું હતું કે અમે તેમની તબિયત પર નજર રાખી રહ્યા છે, અમારી અપેક્ષા મુજબ તેમની તબિયત સારી થઇ રહી છે. અમે તેમની બેડ રેસ્ટની સલાહ આપી છે. જો તબિયત સુધારા પર હશે તો બેથી ત્રણ દિવસમાં અમે રજા આપી દઇશું. સૈફને આરામ મળે માટે અંગત પરિવારજનો સિવાય કોઈને પણ મુલાકાતની છૂટ અપાઇ નથી.
સૈફ ઓટોમાં હોસ્પિટલે પહોંચ્યો
સૈફ અલી ખાનને રિક્ષામાં હોસ્પિટલ લઇ જનાર ઓટો રિક્ષા ડ્રાઇવર ભજન સિંહ રાણાએ જણાવ્યું હતું કે એક્ટરના ગરદનમાંથી લોહી વહી રહ્યું હતું અને તેનો ઝભ્ભો લાલ થઇ ગયો હતો. જોકે તે એક્ટરને ઓળખી શક્યો હતો. તેને હોસ્પિટલ પહોંચતા આઠથી 10 મિનિટનો સમય લાગ્યો હતો. હોસ્પિટલ પહોંચતા આશરે રાત્રિના ત્રણ વાગ્યા હતા. તેણે ઉમેર્યું હતું કે હોસ્પિટલના ગેટ પર પહોંચ્યા બાદ એક્ટરે સ્ટ્રેચર બોલાવી હતી અને કહ્યું હતું કે હું સૈફ અલી ખાન છું. તેમની સાથે રિક્ષામાં એક સાતથી આઠ વર્ષનો છોકરો પણ હતો.
હુમલાખોર અત્યંત ગુસ્સામાં હતો
સૈફ અલી ખાન પર જીવલેણ હુમલા બાદ તેની પત્ની કરીના કપૂર ખાને પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલાખોર ખૂબ જ આક્રમક અને ગુસ્સામાં દેખાતો હતો. સૈફ સાથે હિંસક ઝપાઝપી થઈ હતી. ઝપાઝપી દરમિયાન સૈફ પર ઘણાં વાર કર્યા. તેણે ઘરમાંથી કોઈ ચોરી કરી નથી. જહાંગીરના રૂમમાં ખુલ્લામાં રાખેલા દાગીનાને પણ હાથ અડાડ્યો નથી.
રૂ. 35 લાખનો મેડિક્લેમ મૂક્યો
મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સૈફ અલી ખાને 35.95 લાખના આરોગ્ય વીમાનો દાવો કર્યો છે, જેમાંથી તેને હાલ તેના રૂ. 25 લાખ મંજૂર કરાયા છે. આ બાબતને સમર્થન આપતા વીમા એજન્સીએ જણાવ્યું હતું કે સંપૂર્ણ સારવાર પૂરી થયા પછી એક વાર અંતિમ બિલ સુપરત કરવામાં આવે ત્યારે બાકીની રકમની પતાવટ પણ થઈ જશે. સૈફના કથિત મેડિકલ દસ્તાવેજો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. જેમાં તેના સારવારના ખર્ચની વિગતો અને તેની સંભવિત ડિસ્ચાર્જ તારીખનો ઉલ્લેખ હતો. દસ્તાવેજમાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહ્યાનો અને 21 જાન્યુઆરીએ સંભવિત ડિસ્ચાર્જનો ઉલ્લેખ હતો. જોકે, હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે સૈફને સારું જણાતાં મંગળવારે બપોરે જ તેને ડિસ્ચાર્જ અપાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter