સૈયામી ખેરે જર્મનીમાં યોજાતી પ્રતિષ્ઠિત આયર્નમેન ટ્રાએથલોન પૂરી કરીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ તે આવી સિદ્ધિ મેળવનાર પહેલી ભારતીય એક્ટ્રેસ બની છે. આયર્નમેન ટ્રાએથલોન 70.3 હાફ આયર્નમેન તરીકે પણ ઓળખાય છે. આ હરીફાઈમાં દુનિયાના સૌથી ફિટ લોકો જ ભાગ લઈ શકે છે. આ રેસમાં ખેલાડીએ 1.9 કિમી સ્વિમિંગ, પછી 90 કિમી સાઇકલિંગ અને 21.1 કિમી રનિંગ કરવાનું હોય છે. આ બધું જ તેમણે વચ્ચે કોઈ વિરામ વગર સળંગ પૂરું કરવાનું હોય છે. સૈયામીએ આ અઘરી રેસ જીતીને માનસિક-શારિરીક તાકાત તો સાબિત કરી જ છે, સાથે જ અનેક ભારતીય મહિલાઓને પ્રેરિત પણ કરી છે.
સૈયામી ‘ચોક્ડ’, ‘ઘુમર’ અને ‘શર્માજી કી બેટીયાં’ જેવી ફિલ્મો માટે જાણીતી છે. તેણે આ રેસમાં ભાગ લેવા એક વર્ષથી પણ વધુ સમય ખાસ તાલીમ લીધી હતી. છતાં ફિલ્મોના કામમાં પણ કોઈ કચાશ રાખી નહોતી. અભિષેક બચ્ચન સાથેની ‘ઘૂમર’માં સૈયામીએ ક્રિકેટરનો રોલ કર્યો હતો. સૈયામી શરૂથી જ હેલ્થ અને ફિટનેસની હિમાયતી રહી છે. રેસ પૂરી કરવાનું ગૌરવ અનુભવતાં સૈયામીએ કહ્યું, ‘આયર્નમેન 70.3ની ફિનિશ લાઇન વટાવીને એ મેડલ મેળવવો મારા જીવનની સૌથી ગૌરવશાળી ક્ષણ રહી છે. હંમેશાથી આ રેસ પૂરી કરવાની મારી ઇચ્છા હતી, હું અતિશય ખુશ છું કે અંતે મેં એ કરી બતાવ્યું છે.’
સૈયામીને આ સફરમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. રેસની તૈયારી સાથે ફિલ્મોના કામ પુરા કરવા માટે દરરોજ કલાકો ફિલ્મના સેટ પર વિતાવ્યા પછી બાકીના સમયમાં રેસ માટેની મહેનત કરતી હતી. તેણે કહ્યું, ‘કેટલાંક એવા દિવસો પણ આવતા કે હું બહુ નિઃરાશ થઈ જતી અને મારી જાત સાથે યુદ્ધ કરવું પરંતુ, મને એ કલાકોના સમયમાં કોઈ મદદ કરી શકે તેમ નહોતું, મારે જ મારી મદદ કરવાની હતી.’ આટલું પૂરતું ન હોય તેમ તે જર્મની ગઈ ત્યારે ફ્લાઇટ ચુકી ગઈ હતી અને સામાન પણ ખોવાઈ ગયો હતો. આગળ તેણે કહ્યું, ‘હું આ રેસ ચૂકી જઉં તેના માટેના અનેક કારણો હતો પણ મેં અંતે તે પૂરી કરી. હું ખુબ ખુશ છું કે મેં બધું જ સંભાળી લીધું. માત્ર રેસ પૂરી કરી એ જ નહીં પણ અહીં સુધીની સફરે મને શીખવી દીધું કે તમે મનમાં ગાંઠ વાળી લો પછી તમને કોઈ રોકી શકતું નથી.’