સોનમ કપૂરે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા લંડન શિફ્ટ થઈ ગઈ છે, પરંતુ કામકાજ અર્થે મુંબઇની અવરજવર સતત ચાલુ છે. સોનમે અઢળક સંપત્તિ ધરાવતા બિઝનેસમેન પતિના સહયોગથી મુંબઇમાં એક મોટી ડીલ પાર પાડી છે. સોનમે પતિ આનંદ સાથે મળીને મુંબઇમાં આગવી ઓળખ ધરાવતો રેટ્રો મ્યુઝિક સ્ટોર ખરીદ્યો હોવાના અહેવાલ છે. આ ડીલ 47.8 કરોડ રૂપિયામાં થયાનું મનાય છે. આ સ્ટોર એક સમયે ભાગેડુ નીરવ મોદીની માલિકીનો હતો, જે 2018માં મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ બેંક લોનની ચુકવણીમાં ડિફોલ્ટ થયા બાદ બંધ થઈ ગયો હતો. આ મ્યુઝિક સ્ટોરની સ્થાપના 1940ના દાયકામાં થઈ હતી. તેને પંડિત રવિશંકર જેવા દિગ્ગજ સંગીતકારો અને બોલિવૂડના ઘણા સ્ટાર્સને હોસ્ટ કર્યો હતો. થોડા સમય પહેલા સોનમના સસરા હરીશ આહુજાએ પણ લંડનમાં 200-240 કરોડ રૂપિયામાં પ્રોપર્ટીનો સોદો કર્યો હોવાના અહેવાલ હતા. આશરે 13,000 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી ભારતમાંથી ભાગીને હાલ લંડનમાં રહેતો હોવાના અહેવાલ છે.