સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકલાબે રવિવારે સાદગીપૂર્વક મેરેજ કર્યા છે. લાંબા સમયથી રિલેશનશિપમાં રહેલા સોનાક્ષી-ઝહીરે મુંબઈમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ પ્રસંગે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ સિંહા સહિત બન્ને પક્ષના પરિવારજનો અને નિકટના મિત્રો હાજર રહ્યા હતા. ફિલ્મજગતમાંથી સોનાક્ષીની ખાસ મિત્ર હુમા કુરેશી ઉપરાંત કાજોલ, રીમા કાગતી, સાયરા બાનો, અનિલ કપૂર, ચંકી પાંડે, આયુષ્માન ખુરાના, અથિયા શેટ્ટી, કુશા કપિલા, અદિતી રાવ હૈદરી-સિદ્ધાર્થ, હની સિંહે હાજરી આપી હતી. સોનાક્ષી-ઝહીરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોટોગ્રાફ્સ શેર કરીને લગ્નની માહિતી આપી હતી. રવિવારે લગ્ન થયાં તે પૂર્વે 20મીએ મિત્રો-પરિવારજનો માટે પાર્ટી રખાઈ હતી અને 21મીએ મહેંદીની વિધિ થઈ હતી. લગ્નની પૂર્વ સંધ્યાએ સિંહા પરિવારના નિવાસસ્થાન ‘રામાયણ’ ખાતે પૂજાનું આયોજન થયું હતું. અગાઉ એવી વાતો વહેતી થઇ હતી કે પિતા શત્રુઘ્ન આ લગ્નથી ખુશ નથી અને તેઓ લગ્નમાં હાજર પણ નહીં રહે તેવું અનેક લોકો કહેતા હતા. આવી બધી અટકળોની શરૂઆત શત્રુઘ્નના એક નિવેદનથી થઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતે પણ લગ્નની તારીખ અંગે માહિતી મળે તેની રાહ જોઈ રહ્યા છે. આજકાલના છોકરાઓ મા-બાપની મંજૂરી નથી લેતાં, માત્ર ઈન્ફોર્મ કરે છે. જોકે લગ્ન પૂર્વેની પાર્ટીમાં હાજરી આપવાની સાથે સાથે શત્રુઘ્ન સિંહાએ તમામ અફવાઓને રદિયો આપ્યો હતો. પોતાની દીકરી ઝહીર સાથે સૌથી વધુ ખુશ હોવાની અને તેને મનપસંદ સાથીદાર મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. રવિવારે સાદગીપૂર્વક લગ્ન બાદ મુંબઈની જાણીતી હોટેલમાં ભવ્ય રિસેપ્શનું આયોજન કરાયું હતું.