રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ બોક્સ ઓફિસ પર કલેક્શન બાબતે ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે માત્ર ભારતમાં જ 381 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો ગ્લોબલ કલેક્શનમાં 600 કરોડ ક્લબમાં સામેલ થવા તરફ આગળ વધી રહી છે. આ ચર્ચા વચ્ચે એવી વાત સાંભળવા મળી છે કે રજનીકાંત દેશના સૌથી વધુ કમાણી કરનાર એક્ટર પણ બની ગયા છે. તેમણે આ ફિલ્મથી કુલ રૂ. 210 કરોડ મળ્યા છે. જેમાંથી રૂ. 110 કરોડ અભિનયની ફી પેટે અને રૂ. 100 કરોડ પ્રોફિટ શેરિંગના ભાગરૂપે. હાલમાં ફિલ્મનિર્માતા કલાનિધિ મારન અને રજનીકાંતની મુલાકાત થઈ હતી અને મારને તેમને ફિલ્મના નફાની વહેંચણીનો ચેક આપ્યો હતો. ચેકમાં રૂ. 100 કરોડનો આંકડો હતો. મેકર્સને ફિલ્મથી અત્યાર સુધીમાં કુલ 200 કરોડથી વધુનો નફો થયો છે. સન પિક્ચર્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મિટિંગની તસવીર શેર કરી છે. જેમાં કલાનિધિ એક્ટર રજનીકાંતને ચેક આપતા જોવા મળે છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. સાઉથના ફિલ્મ ટ્રેડ એક્સ્પર્ટ મનોબાલા વિજયબાલને આ જ તસવીર શેર કરી અને લખ્યુંઃ ‘સમાચાર મળ્યા છે કે ‘જેલર’ના નિર્માતાએ રજનીકાંતને 100 કરોડનો ચેક આપ્યો છે. આ ‘જેલર’નો પ્રોફ્ટિ શેરિંગનો ચેક છે. આ સાથે રજનીકાંત દેશના સૌથી વધુ કમાણી કરનાર એક્ટર પણ બન્યા છે.’