બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાન અને અક્ષયકુમાર વર્ષ ૨૦૧૬માં સૌથી વધુ કમાણી કરનારી ટોચની ૧૦૦ સેલિબ્રિટીમાં સ્થાન પામ્યા છે. ફોર્બ્સ મેગેઝિને જાહેર કરેલી આ યાદીમાં અમેરિકન ગાયિકા ટેલર સ્વિફ્ટ ૧૭ કરોડ ડોલરની કમાણી સાથે ટોચના ક્રમે રહી છે.
વિશ્વની આ ૧૦૦ સેલિબ્રિટીએ જૂન-૨૦૧૫થી જૂન-૨૦૧૬ દરમિયાન ૫.૧ અબજ ડોલરની કમાણી કરી લીધી છે. આ વખતે આ યાદીમાં ત્રીજા ભાગની સેલિબ્રિટી અમેરિકા બહારની રહી છે.
શાહરુખ ખાન સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટીની આ યાદીમાં ૮૬મા ક્રમ પર રહ્યો છે. વર્ષ ૨૦૧૬ની કમાણી ૩.૩ કરોડ ડોલર (અંદાજે ૨૧૮ કરોડ રૂપિયા) દર્શાવાઈ છે. અક્ષયકુમાર ૩.૧૫ કરોડ ડોલર (અંદાજે ૨૦૫ કરોડ રૂપિયા)ની કમાણી સાથે યાદીમાં ૯૪મા ક્રમે છે. મેગેઝિને લખ્યું છે કે ‘ફેન’નો સ્ટાર બોલિવૂડની બોક્સ ઓફિસ પર શાસન કરે છે અને તગડી કમાણી કરે છે. તે અનેક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ડીલ દ્વારા પણ જંગી કમાણી કરે છે.
૪૮ વર્ષીય અક્ષયકુમાર ગયા વર્ષે આ યાદીમાં ૭૬મા ક્રમે હતો, પરંતુ આ વખતે તે ૯૪મા સ્થાને રહ્યો છે. જોકે મેગેઝિને લખ્યું છે કે અક્ષય બોલિવૂડનો સૌથી વ્યસ્ત કલાકાર છે અને ત્રણ હિટ ફિલ્મોથી તેણે જંગી કમાણી કરી છે. અક્ષય પણ અનેક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા જંગી કમાણી કરે છે.
સૌથી વધુ કમાણી કરતી ટોપ-૧૦૦ સેલિબ્રિટીમાં ઈંગ્લિશ-આઈરિશ બોય બેન્ડ ‘વન ડિરેક્શન’ ૧૧ કરોડ ડોલરની કમાણી સાથે ટેલર સ્વિફ્ટ પછીના બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે લેખક જેમ્સ પેટરસન અને ચોથા ક્રમે રિયલ મેડ્રિડનો ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. ચીનનો જેકી ચાન ૨૧મા ક્રમે રહ્યો છે. તેની આવક ૬.૧ કરોડ ડોલર દર્શાવાઈ છે.