કોરોના વાયરસ ડિસીઝ -૧૯ (કોવિડ-૧૯)ના ઉપદ્રવથી વિશ્વના અનેક દેશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શૂટિંગ માટે વિદેશ ગયેલા બોલિવૂડના કલાકારો પરત આવી રહ્યા છે તે સાથે જ કેટલાક કલાકારોના વિદેશમાં અભ્યાસ કરતાં સંતાનોને પણ ભારત લાવવાના હતા. શેફાલી શાહ, ઇરફાન ખાન, શેખર કપૂર, કાજોલ, જૂહી ચાવલા જેવા કલાકારો પોતાના વિદેશમાં ભણતાં સંતાનોની સુરક્ષા અંગે ચિંતિત હતા અને તેઓ વહેલી તકે ભારત આવે તે માટે પ્રયત્નશીલ હતા.
કોવિડ-૧૯ના વૈશ્વિક રોગચાળા વિશે સોશિયલ મીડિયા દ્વારા જનજાગૃતિ ફેલાવવાનું કામ કરતી શેફાલીના બંને દીકરા સ્પેનની સેલાઉ કેમબ્રિલ્સ એકેડમીમાં સોકરની તાલીમ લેતા હતા. ૧૩મી માર્ચે શેફાલીને લાગ્યું કે વાયરસનો ચેપ ઝડપભેર પ્રસરી રહ્યો છે એટલે દીકરાઓને ઘરે બોલાવી લેવામાં હિત છે, પરંતુ તેના કુટુંબમાંથી કોઇ તેની વાત માનવા તૈયાર નહોતા. શેફાલીએ સોશિયલ મીડિયા પર પોતાની વિતક લખતાં જણાવ્યું કે, મારા દીકરાઓની બોર્ડની પરીક્ષા બે મહિનામાં છે એટલે તેમના માટે આ સમય અત્યંત કટોકટીનો છે. તેમનેએમ લાગતું હતું કે મમ્મી વધારે પડતી ચિંતિત થાય છે અને તેમને મારા પર ગુસ્સો આવતો હતો, પરંતુ મેં તેમની પરવા ન કરી પણ ૧૫ માર્ચે સ્પેને લોકડાઉન જાહેર કર્યું ત્યારે સ્થિતિ ગંભીર બની ગઇ. મારી પાસે ૪૮ કલાકથી ઓછો સમય હતો જેમાં તેમને પાછા લાવવાના હતા.
સદનસીબે શેફાલીના બંને દીકરા ભારત પાછા આવી ગયા હતા. શેફાલીએ અન્ય એક પોસ્ટમાં લખ્યું હતું કે, એરપોર્ટ પર તેમનું ચેકિંગ થયું અને ત્યાંથી સેવન હિલ્સ હોસ્પિટલમાં તેમને લઇ જવાયા તથા ૨૪ કલાક કોરોન્ટાઇન (સંસર્ગહીન) રખાયા હતા. બીજે દિવસે તેમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને પછી તેમને ઘરે જવાની પરવાનગી અપાઇ હતી. ઘરે તેમની રૂમોને મેં સાફ કરી રાખી હતી તથા તેમના કપડાં મેં અલગ રાખીને ધોયા હતા. તેમને જમવાનું પણ તેમના રૂમમાં આપી દેવાય છે. તેમને બેગને પણ સેનેટાઇઝરથી સાફ કરીને તડકામાં રાખવામાં આવી છે. ટૂંકમાં બંને અત્યારે ઘરમાં કોરોન્ટાઇનમાં રહે છે.
ઇરફાનનો દીકરો બાબીલ લંડનમાં ભણે છે. કોરોનાની ભીતિને પગલે વિમાનોના ઉડ્ડયન રદ્દ થતાં તેનું ભારત પરત આવવું મુશ્કેલ બની ગયું હતું. આથી તેની માતા સ્તુપા સિકંદરે સોશિયલ મીડિયા પર સરકારને દરમિયાનગીરી કરવાની વિનંતી કરી હતી. જો કે, બે દિવસમાં જ બાબીલ મુંબઇ આવી ગયો અને સ્તુપાએ રાહતનો શ્વાસ લીધો હતો. તેણે સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ વર્ણવતાં લખ્યું હતું કે, બાબીલ સુખરૂપ ભારત આવી ગયો તે માટે હું સહાય કરનાર તમામનો આભાર માનું છું. તેનું વિમાન એક કલાક મોડું હતું. હું એરપોર્ટ પર રાહ જોતી બેઠી હતી ત્યારે આસપાસ લોકોને જોઇને મને આઘાત લાગ્યો હતો. લોકો માસ્કને ગળામાં મફલરની જેમ વીંટાળીને ફરતા હતા. વિદેશથી આવનારાને આલિંગનમાં લેતા હતા તથા ચુંબનો કરતા હતા. મેં તો માર દીકરાને મારી બાજુમાં બેસવા પણ દીધો નહોતો. બે ગાડી લઇને ગઇ હતી અને બંને ડ્રાઇવરોને પણ માસ્ક તથા ગ્લવઝ આપ્યા હતા.
એરપોર્ટ પર ચેકિંગ કરીને બાબીલનોજ વા દેવામાં આવ્યો હતો. તેમણે હોમ કોરોન્ટાઇનનું સૂચન પણ કર્યુ નહોતું. માત્ર તેની પાસે એક ફોર્મ ભરાવ્યું હતું. આશા છે તેઓ થાડો દિવસ રહીને તેની તબિયત વિશે પૂછપરછ કરે. મેં એક ખાલી ફલેટમાં તેને અલગ રાખ્યો છે. લોકોને કદાચ હું ગાંડી લાગીશ પણ સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.
ફિલ્મમેકર શેખર કપૂર અને ગાયિકા સુચિત્રા ક્રિષ્ણમૂર્તિની દીકરી કાવેરી પણ બોસ્ટનની બર્કલે કોલેજમાં સંગીતનો અભ્યાસ કરે છે. અમેરિકાની સરકારે વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદતાં સુચિત્રા અને શેખર ચિંતિત થઇ ગયા હતા. સુચિત્રાએ ઝણાવ્યું હતું કે, ૧૦ માર્ચે જ કોલેજ બંધ થઇ ગઇ અને વિદ્યાર્થીઓને ડોરમેટરીઝ ખાલી કરવાનું કહી દીધું હતું. આથી કાવેરી બોસ્ટનમાં રહેતા ફેમિલી ફ્રેન્ડના ઘરે રહેવા ગઇ હતી. તે છ દિવસ સુધી અટવાઇ ગઇ હતી, પરંતુ સરકારે સારો સહકાર આપ્યો હતો અને અમારી મૂંઝવણોના તાત્કાલિક જવાબ અપાતા હતા. હું ડોકટર, એરલાઇન અને સિકયોરિટીનો આભાર માનું છું. ભારતને સલામત રાખવા માટે બઘા જ ચોવીસે કલાક કામ કરી રહ્યા છે.
કાવેરી સ્વેચ્છાએ કોરોન્ટાઇનમાં છે. એરપોર્ટ પર થયેલા ચેકિંગમાં કશું આવ્યું નહોતું. બધાએ ખૂબ જ સારી મદદ કરી હતી અને કાવેરીએ પણ બધાનો આભાર માન્યો હતો.
અજય દેવગણ અને કાજોલની દીકરી નિશા સિંગાપોરની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. તે પણ ભારત આવી ગઇ છે. થોડા દિવસ પહેલાં જ કાજોલ દીકરીને મળવા સિંગાપોર ગઇ હતી. કોરોના વાયરસને લીધે સ્કૂલ બંધ રહેતા મા-દીકરી સાથે જ પાછા આવ્યા હતા. થોડા દિવસ અગાઉ કાજોલે નિશા સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મૂકીને લખ્યું હતું કે, આ ડરના માહોલમાં બધાને થોડી ખુશીની પળ જોઇતી હોય છે. નિશા તારો આભાર તું મારી ખુશી છે.
જૂહી ચાવલા અને તેનો પરિવાર પણ બુધવારે યુકેથી પરત આવ્યા છે. જૂહી અને તેનો પતિ જય મહેતા દીકરા અર્જુનને મળવા યુકે ગયા હતા. યુકેની એક યુનિવર્સિટીમાં અર્જુન ભણે છે. કોરોનાનો ચેપ પ્રસરતાં થોડા દિવસ જૂહી, જય અને અર્જુન તે વિસ્તારમાં આઇલોસેશનમાં રહ્યા હતા. ત્યાં તેમની દીકરી જાન્હવી જે ન્યૂયોર્કમાં ભણે છે તે આવી ગઇ અને ચારે સાથે મુંબઇ આવ્યા હતા.