હોળી હંમેશાથી બોલિવૂડનો પ્રિય તહેવાર રહ્યો છે - પછી ભલે વાત પડદાની હોય કે વાસ્તવિક જીવનની. સિલસિલાના ‘રંગ બરસે...’ જેવા ગીતો હોય કે શોલેમાં ‘હોલી કબ હૈ કબ હૈ હોલી..?’ જેવા ડાયલોગ બાદ રંગબેરંગી ઉજવણી હોય હોળી બોલિવૂડની સાંસ્કૃતિક ઓળખનો અભિન્ન હિસ્સો રહી છે. 2025માં પણ ફિલ્મીદુનિયાના સિતારાઓએ ફરી એકવાર સાબિત કર્યું કે, રંગો, પ્રેમ અને એક્તાની ઉજવણીમાં તેઓ સૌથી આગળ છે. આ વર્ષની ઉજવણીમાં સ્ટાર્સથી ભરેલી પાર્ટીઓ ફેન્સ અને પાપારાઝી માટે ગિફ્ટ સાબિત થઈ હતી. બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફે ફેમિલી સાથે હોળી સેલિબ્રેટ કરીને સોશિયલ મીડિયા સાઈટ પર તસવીરો પોસ્ટ કરી હતી. તેમાં પતિ વિકી કૌશલ, દિયર સની અને બહેન ઈઝાબેલ સાથે ફેમિલીના અન્ય મેમ્બર્સ પણ જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતાએ હોલિકા દહનની તસવીર પોસ્ટ કરી હતી. જ્યારે, તેની પુત્રી નવ્યા નવેલી નંદાએ ફ્રેન્ડ્સ સાથે હોળી સેલિબ્રેશનના ફોટા શેર કર્યા હતા. પ્રોડ્યુસર પ્રજ્ઞા કપૂરની પાર્ટી સૌથી ચર્ચાસ્પદ રહી હતી. તમન્ના ભાટિયા અને વિજય વર્માએ પાર્ટીમાં સાથે આવીને બ્રેક-અપની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
આ સિવાય રવિના ટંડન અને તેની દીકરી રાશા પણ આ પાર્ટીમાં જોવા મળ્યા હતા. કાર્તિક આર્યન પણ રંગોમાં તરબતર જોવા મળ્યો હતો. તેનું આગામી ફિલ્મ આશિકી-3નું લૂક સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ આવ્યું હતું. પ્રિયંકા ચોપરાએ એસ.એસ. રાજામૌલીની મહેશ બાબુ સાથેની ફિલ્મના સેટ પરથી હોળી સેલિબ્રેશનનો ફોટો શેર કર્યો હતો. આ ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંક બાદ પ્રિયંકાની ભારતીય સિનેમામાં વાપસી છે. કંગના રનૌતે હિમાચલ પ્રદેશમાં આવેલી તેની રેસ્ટોરેન્ટ ધ માઉન્ટેન સ્ટોરીના સ્ટાફ સાથે હોળી મનાવી હતી. તેરે ઈશ્ક મેના શૂટિંગ વચ્ચે સમય કાઢીને કિર્તી સેનોને તમિલ સુપરસ્ટાર ધનુષ અને ડિરેક્ટર આનંદ રાય સાથે હોળી સેલિબ્રેટ કરી હતી. દિયા મિર્ઝાએ ફેમિલી સાથે હોળીની પાર્ટીના ફોટા અને વિડીયોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. જેમાં, પહેલીવાર આખો પરિવાર જોવા મળ્યો હતો. આ સિવાય વરુણ ધવન, અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, રિચા ચઢ્ઢા, સોનાક્ષી સિંહા, ધનાશ્રી, રિદ્ધિ ડોગરા, અંકિતા લોખંડે અને કરણ વીર મહેરા જેવા સ્ટાર્સે હોળીની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.