કંગના રણૌતે તાજેતરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા જોઈને મંત્રમુગ્ધ થયેલી કંગનાએ એક્ઝિબિશન પણ નિહાળ્યું હતું સરદાર સાહેબની સ્વતંત્રતા ચળવળ અને ભારતના એકીકકરણ માટેના પ્રયાસો વિશે માહિતી મેળવી ઈતિહાસને નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ મિત્ર ઝુબીન ગમીર દ્વારા તેને એકતાનગરના વિકાસકાર્યોની માહિતી અપાઇ હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળ્યા બાદ કંગનાએ પત્રકારોની સાથે વાતચીતમાં કહ્યું હતું કે, લોહપુરુષ સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવ છે અને મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને સેલ્યુટ કરવાનો મને મોકો મળ્યો.
કંગનાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઉત્તમ જાળવણી, સ્વચ્છતા અને સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીને અભિનંદન આપ્યા હતા. કંગનાની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ઓથોરિટીના સીઇઓ ઉદિત અગ્રવાલ અને નર્મદા જિલ્લાના કલેક્ટર શ્વેતા તેવટિયાએ કંગના રણૌતને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રતીક અને સોવેનિયર પુસ્તિકા ભેટ આપીને સ્વાગત કર્યું હતું. કંગનાએ 20 ઓક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મ ‘તેજસ’માં એરફોર્સ પાઈલટ તેજસ ગિલનો રોલ કર્યો છે. દેશની સુરક્ષા માટે પડકારોનો સામનો કરતી બહાદુર પાઈલટના રોલમાં કંગનાની ઝલક અગાઉ રજૂ કરવામાં આવી હતી.