અમર કૌશિક ડિરેક્ટેડ ફિલ્મ ‘સ્ત્રી’ હોરર કોમેડી મૂવિ છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, અપારશક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જીએ અભિનય આપ્યો છે. બોક્સઓફિસ પર સફળ આ ફિલ્મની વાર્તામાં મધ્ય પ્રદેશનું બેકગ્રાઉન્ડ છે.
વાર્તા રે વાર્તા
મધ્ય પ્રદેશના ચંદેરી શહેરમાં વસતા લોકોની આ ફિલ્મમાં વાર્તા છે. દરજીની દુકાન ધરાવતો વિકી (રાજકુમાર રાવ) તેનો મિત્ર બિટ્ટુ (અપારશક્તિ ખુરાના) અને જના (અભિષેક બેનર્જી) ચંદેરીમાં રહે છે. ચંદેરીમાં જ રહેતા રૂદ્ર (પંકજ ત્રિપાઠી)ના આવવાથી તેમની જિંદગીમાં ઘણા ટ્વિસ્ટ આવે છે. રૂદ્ર આ ત્રણેય મિત્રોને ચંદેરી પુરાણ અને તેની પાછળ રહેલી સચ્ચાઈ વિશે જણાવે છે. દરમિયાન વિકીને શ્રદ્ધા કપૂર સાથે પ્રેમ થાય છે. ગામની પરિસ્થિતિ ત્યારે વધુ બગડે છે જ્યારે ગામમાં એક સ્ત્રીનું આગમન થાય છે. લોકોમાં ચર્ચા ઊઠે છે કે તે સ્ત્રી માત્ર પુરુષોને જ ગાયબ કરે છે. આ સ્ત્રી કોણ છે તે જાણવા ફિલ્મ જોવી રહી.
દિલધડક સીન
ફિલ્મની વાર્તા અને સ્ક્રીનપ્લે સરસ રીતે લખાયેલાં છે. તેના કારણે ફિલ્મમાં સીન્સ દિલધડક બની રહે છે. ફિલ્મનું ડિરેક્શન સારું છે અને લોકેશન કમાલનું છે. ફિલ્મમાં ટ્વિસ્ટ પણ કમાલના છે.
અભિનય કમાલનો
આ ફિલ્મમાં સરપ્રાઈઝ પેકેજ પંકજ ત્રિપાઠી છે. તેનો અભિનય ખૂબ જ સારો છે. રાજકુમાર રાવે એકવાર ફરીથી સાબિત કરી બતાવ્યું
છે કે તેને શા માટે એક સારો અભિનેતા માનવામાં આવે છે. અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાનાએ પણ સારી એક્ટિંગ
કરી છે.