ફિલ્મમેકર મધુરિતા આનંદ સમાજની સમસ્યાઓને લઇને શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી, ફિચર ફિલ્મ અને ટીવી શો બનાવવા માટે જાણીતાં છે. મધુરિતાની પહેલી ફિલ્મ હતી, અરબાઝ ખાન, રણદીપ હુડા અને રાઇમા સેન અભિનિત ‘મેરે ખ્વાબો મેં જો આયે’. હવે મધુરિતાની સ્ત્રી ભ્રૂણહત્યા પરની ફિલ્મ ‘કજરીયા’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. લગભગ નવેક વર્ષ પહેલાં મધુરિતાને પોતાની દીકરીના જન્મ સમયે શહેરની અતિખર્ચાળ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. એ હોસ્પિટલમાં દસ દિવસ સુધી એક પણ દીકરીનો જન્મ ન થયો. અંતે તેમણે નર્સને પૂછ્યું કે અહીં કોઈ દીકરીનો જન્મ કેમ નથી થયો? ત્યારે એ નર્સે કહ્યું કે, આ હોસ્પિટલમાં કોઈ દીકરી જન્મી જ ન શકે કારણ કે આ અતિધનાઢ્ય લોકો પણ નથી ઈચ્છતા કે તેમને ત્યાં દીકરી જન્મે. આ ઘટના જ ફિલ્મનો હાર્દ બની અને એ પછી મધુરિતાએ વર્ષ ૨૦૧૦માં સ્ત્રી - પુરુષના જન્મના આંકડા જોયા એમાં સ્ત્રીનો જન્મદર ઓછો હતો તેથી એ વિષયવસ્તુ લઈને ‘કજરીયા’ બની છે.