રવિના ટંડનની જેમ તેમની દીકરી રાશા પણ બોલિવૂડ સ્ટાર બનવા માગે છે. રાશાની પહેલી ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવે છે. કરિયરની જેમ ધર્મ પ્રત્યે શ્રદ્ધા બાબતે પણ રાશા પોતાની માતા જેવી છે. રવિના અને રાશાએ તાજેતરમાં સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન બાદ તેમણે સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા અને ‘હર હર મહાદેવ’ના નાદ સાથે દરેકને શુભેચ્છા આપી હતી.
રવિના ટંડનનો વેબ શો ‘કર્મા કોલિંગ’ આગામી સમયમાં આવી રહ્યો છે. સિરીઝની રિલીઝ પૂર્વે રવિનાએ સોમનાથમાં જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતાં અને આશીર્વાદ મેળવ્યા હતા. રવિનાની સાથે તેમની દીકરી રાશા પણ હતી. રાશાએ સોમનાથની યાત્રાના ફોટોગ્રાફ્સ અને વીડિયો 17 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. રાશા અને રવિનાએ મંદિરમાં જળ અર્પણ કર્યુ હતું અને ભવ્ય મંદિર સમક્ષ બે હાથ જોડી હર હર મહાદેવ કહ્યું હતું. ભગવાનના પૂજન માટે રવિના અને રાશાએ પરંપરાગત ડ્રેસ પસંદ કર્યો હતો અને કપાળ પર ત્રિશૂળ સાથે ચંદનનું ત્રિપુંડ કર્યું હતું. રાશા અને રવિનાએ અગાઉ કેદારનાથ અને રામેશ્વર મંદિરમાં પણ સાથે દર્શન કર્યા હતા. રવિનાની આગામી વેબ સિરીઝ કર્મા કોલિંગ 26 જાન્યુઆરીએ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે.