સલમાનખાન અભિનિત ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’એ બોલિવૂડમાં ધૂમ મચાવી હતી. આ ફિલ્મની સફળતા માટે સલમાનને દાવેદાર ગણવામાં આવે છે પરંતુ તેની બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રાનો ફાળો પણ મહત્ત્વનો છે. હર્ષાલીએ તેમાં ‘મુન્ની’નો રોલ કર્યો હતો અને તેણે દર્શકોની પ્રશંસા પણ મેળવી હતી. હર્ષાલીએ આ અભિનય માટે ખૂબ મહેનત કરી હતી હવે તેને તેનું ફળ મળી રહ્યું છે. તાજેતરમાં જ મુંબઈમાં યોજાયેલા એક એવોર્ડ વિતરણ સમારંભમાં હર્ષાલીને ‘સર્વશ્રેષ્ઠ બાળ કલાકાર’ના સન્માનથી નવાજવામાં આવી હતી. તેને કારકિર્દીની પ્રથમ ફિલ્મ માટે સર્વપ્રથમ એવોર્ડ મળ્યો છે. રૂ. ૧૦૦ કરોડની કમાણી ક્લબમાં સામેલ આ ફિલ્મને શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ પણ મળ્યો છે જે કબીરખાનને ફાળે આવ્યો છે.