શાહરુખ ખાન પોતાની હાજરજવાબી અને સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતો છે. જોકે હવે તેને લાગે છે કે આજકાલ હંસીમજાક ના કરવી જ સારી બાબત છે. તેણે તાજેતરમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે તેની ટીમ હંમેશા ટોકતી રહે છે કે મજાક ના કરો, કેમ કે લોકો મજાક સમજી નથી શકતા. શાહરુખે કહ્યું કે હવે તે પોતાની જાતને કન્ટ્રોલ કરે છે. લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં પોડકાસ્ટ દરમિયાન શાહરુખે કહ્યું કે તે કોમેડી ફિલ્મ કરવા તો માંગે છે, પરંતુ તેના સેન્સ ઓફ હ્યુમરને લોકો ખોટી રીતે મૂલવી લે છે. શાહરુખે કહ્યું કે, ‘સાચું કહું તો મને લાગે છે કે મારામાં સેન્સ ઓફ હ્યુમર જન્મજાત છે. હું લોકોને હસાવી શકું છું, પરંતુ આ સમય સારો નથી ચાલી રહ્યો. તેથી હું મજાક કરવાથી બચવા પોતાને નિયંત્રણમાં રાખું છું. મારી ટીમ હંમેશા મને ટોકે છે કે લોકો તમારી મજાક સમજી શકતા નથી.’ શાહરુખે કહ્યું કે, ‘લોકો હવે સંવેદનશીલ થઈ ગયા છે. તમે કાંઈક બોલશે તો કોઈકને તે નહીં ગમે, સેન્સ ઓફ હ્યુમર ના હોય તે જ સારું રહેશે. એક અભિનેતા તરીકે મને લાગે છે કે રોમાન્સ, એક્શન પછી કોમેડી અને હોરર ફિલ્મ પણ કરવી જોઈએ.’