ડાન્સિંગ ક્વીન અને અભિનેત્રી મલાઈકા અરોરા વારંવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની સાથે જોડાયેલી બાબતોને શેર કરતી રહે છે. હાલમાં તે વારંવાર ક્રિપ્ટિક પ્રેરણાદાયી સંદેશ પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે એક પોસ્ટ શેર કરી છે. મલાઈકાએ આ મહિના માટેના ટાર્ગેટની રૂપરેખા આપતું ટુ-ડુ લિસ્ટ શેર કર્યું હતું. તેમાં તેણે જણાવ્યું છે કે તેણે હવે કઈ બાબતો પર ધ્યાન આપવાનું છે અથવા તો આગામી દિવસોમાં તેણે શું કરવાનું છે? રસપ્રદ બાબત એ છે કે અર્જુન કપૂર દ્વારા તેમના બ્રેકઅપની પુષ્ટિ કરાયા બાદ આ પોસ્ટ આવી છે. પોસ્ટમાં તેણે લખ્યું છે કે આ મહિનામાં શરાબ છોડવાનો છે, પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાની છે, રેગ્યુલર કસરત કરવાની છે અને પોતાના જીવનમાંથી નેગેટિવ વિચારસરણી ધરાવતાં લોકોને દૂર કરવાના છે. મલાઈકા લખે છે કે, શરાબ ના પીવો, આઠ કલાકની ઊંઘ લેવી, એક ગુરુની સલાહ લેવી, સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડનારી ચીજો ખાવા કે પીવાથી દૂર રહેવું. રોજ કસરત કરવી, રોજ દસ હજાર પગલાં ચાલવા, સવારે 10 કલાક સુધી ઉપવાસ કરવો અને રાત્રે આઠ કલાક પછી કોઈ ભોજન ના લેવું. ટોક્સિક લોકોથી દૂર રહેવું.’ આ અગાઉ મલાઈકાએ એક ક્વોટ શેર કરીને લખ્યું હતું કે ‘દરેક સકારાત્મક વિચાર એક મૌન પ્રાર્થના છે, જે તમારા જીવનને બદલી નાખશે. સુપ્રભાત, તમારો દિવસ મંગલમય રહે.’
વાસ્તવમાં અર્જુન કપૂરે ‘સિંઘમ અગેઈન’ના એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન મલાઇકા સાથે બ્રેકઅપ થઈ ગયું હોવાના સમાચારને સમર્થન આપતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. તેણે જાહેરમાં જણાવ્યું હતું કે તે હવે સિંગલ છે. જોકે આમ તો ઘણા સમયથી અર્જુન-મલાઇકાનું બ્રેકઅપ થઈ ગયું હોવાની અટકળો થતી હતી, પણ બન્નેમાંથી કોઇ મગનું નામ મરી પાડતું નહોતું.