ભારતીય સિને જગતના કલાકાર કસબીઓનાં સૌથી મોટાં સંગઠન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ એસોસિએશને ફિલ્મ નિર્માતાઓને માલદીવમાં શૂટિંગ નહીં કરવા જણાવ્યું છે. ફેડરેશને જણાવ્યું છે કે માલદીવના ત્રણ પ્રધાનોએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કર્યા બાદ દેશભરમાં માલદીવના શાસકો સામે રોષ ફેલાયો છે અને અનેક પ્રવાસીઓ તેમની માલદીવની ટૂર કેન્સલ કરી રહ્યા છે. આ સમયે ફિલ્મ ઉદ્યોગે પણ સમગ્ર દેશની પડખે રહેવું જોઈએ. ફેડરેશને જણાવ્યું છે કે નિર્માતાઓએ માલદીવમાં કોઈ શૂટિંગ ગોઠવવા જોઈએ નહીં. ફેડરેશને માલદીવના શૂટિંગ લોકેશન્સનો સ્પષ્ટ બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. તેને બદલે ભારતના જ બીજાં લોકેશન પસંદ કરવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ, બોલિવૂડના અનેક કલાકારો પણ માલદીવને તેમના પ્રવાસ આયોજનમાંથી બાકાત રાખવાની ઘોષણા કરી ચૂક્યા છે.