બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પછી પિતા સલીમ ખાનને પણ ધમકીઓ મળવા લાગી છે. તાજેતરમાં એક મહિલાએ સલીમ ખાનને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નામે ધમકી આપી હતી. જોકે ખાન પરિવાર તરફથી તે મુદ્દે કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી થઈ. તેમજ એ પણ સ્પષ્ટ નથી થયું કે બિશ્નોઈનું નામ આપીને ધમકી આપનારી મહિલા કોણ હતી? સલીમ ખાન ગયા બુધવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા તે વખતે એક યુવાન સાથે બાઇક પર આવેલી મહિલાએ ધમકી આપતાં કહ્યું હતું કે ‘સખણા રહો, નહિતર લોરન્સને કહી દઉં શું?’ બાંદ્રા પોલીસમાં આ મુદ્દે કેસ દાખલ થયો છે. ગભરાયેલા સલીમ ખાને બાઇકનો અડધો નંબર યાદ રાખી લીધો હતો, જેના આધારે મહિલાની ધરપકડ થઈ હોવાના પણ અહેવાલ છે. અને મહિલાએ એવો બચાવ કર્યો હોવાના અહેવાલ છે કે એ તો માત્ર મજાક કરતી હતી. જોકે પોલીસે આ મામલે નરમ વલણ અપનાવવાના મૂડમાં નથી. ઉલ્લેખનીય છે કે ગયા એપ્રિલ મહિનામાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર પણ થઈ ચૂક્યો છે, અને આ કેસમાં પોલીસે આઠ લોકોને આરોપી બનાવ્યા છે.