ફિલ્મ ‘ઉડતા પંજાબ’ના કેટલાક દૃશ્યો માટેનો વિવાદ વકરતો જ જાય છે. આ ફિલ્મના કેટલાક દૃશ્યો સેન્સર બોર્ડે પર કાતર ફેરવ્યા બાદ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સહિતના ફિલ્મકારોએ સેન્સર બોર્ડના ચેરમેનને બદલી નાંખવાની માગ કરી છે. બીજી તરફ એવી વાત પણ ચાલી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફિલ્મ જોઈ અને તેમને ફિલ્મના કેટલાક દૃશ્યો સામે વાંધો ઊઠતાં સેન્સર બોર્ડના ચેરમેને ખાસ રસ લઈને ફિલ્મમાંથી એમને વાંધાજનક લાગતાં દૃશ્યો મનફાવે તેમ દૂર કરવાનું ફરમાન છોડ્યું છે. આ બધા હોબાળા પછી પહલાજ નિહલાણીએ અકળાઈને તાજેતરમાં કહ્યું છે કે, ‘હું નરેન્દ્ર મોદીનો ચમચો છું. બોલો કોઈને કંઈ કહેવું છે? આપણા દેશના વડા પ્રધાનનો નહીં તો શું ઇટાલીના વડા પ્રધાનનો ચમચો હોવાનો? મેં એવું સાંભળ્યું છે કે આવતા વર્ષે પંજાબમાં ઇલેક્શન આવે છે અને ત્યારે આ ફિલ્મના દૃશ્યોની રાજ્યમાં વિપરીત અસર પડી શકે તેમ છે. મને તો ત્યાં સુધી લાગે છે કે પંજાબને ખરાબ રીતે રજૂ કરવા માટે અનુરાગે આમ આદમી પાર્ટી પાસેથી પૈસા પણ લીધાં છે.
કશ્યપ ગયા કોર્ટમાં
ફિલ્મના નિર્માતા અનુરાગ કશ્યપે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરીને સેન્સર બોર્ડના નિર્ણયનો વિરોધ કર્યો છે. ફિલ્મમાં ૮૯ કટ્સ અને ટાઈટલમાંથી પંજાબ શબ્દ કાઢી નાંખવાના સેન્સર બોર્ડના નિર્દેશને પગલે અનુરાગ કશ્યપે અંતે જણાવ્યું હતું કે, સેન્સર બોર્ડે ટાઈટલમાંથી પંજાબ શબ્દ ઉપરાંત શહેરોના નામ તથા એમએલએ અને એમએલસી પણ દૂર કરવાનું જણાવ્યું છે. રિવિઝન કમિટીના આદેશની નકલ મળી હોવાથી અરજીમાં ફેરફાર કરવા ફિલ્મ નિર્માતા કંપની ફેન્ટમ ફિલ્મસે કરેલી વિનંતીને પગલે કોર્ટે અરજીની સુનાવણી ૧૦મી જૂન પર રખાઈ છે.
સામસામે આક્ષેપ
જોકે, મુદ્દાની વાત એ છે કે, અનુરાગ કશ્યપની ‘ઉડતા પંજાબ’ અને સેન્સર બોર્ડ વચ્ચેના વિવાદમાં દરેક રાજકીય પક્ષ એકબીજાનું નામ લઈ રહ્યાં છે. સેન્સર બોર્ડના ચિફ પહલાજ નિહલાણી કહે છે કે, અનુરાગે કેટલાક ચોક્કસ દૃશ્યો માટે અરવિંદ કેજરીવાલ પાસેથી પૈસા લીધા છે. અરવિંદ કેજરીવાલ કહે છે કે, નિહલાણી ભારતીય જનતા પાર્ટીના કહ્યા મુજબ કામ કરે છે. આ વિશે નિહલાણીએ કહ્યું હતું કે, ‘હા, હું મોદીનો ચમચો છું. મારા વડા પ્રધાનના ચમચા હોવામાં મને કોઈ વાંધો નથી, કારણ કે એક વ્યક્તિ સારું કામ કરી રહી છે તો હું તેમના માટે સારું કામ કરું એમાં કંઈ ખોટું નથી. હું તો કોઈ દિવસ મોદીજીને મળ્યો પણ નથી અને મળવાની કોશિશ પણ નથી કરી. હું સવાસો કરોડ નાગરિકોમાંનો એક છું. જો હું મારા દેશના વડા પ્રધાનનો ચમચો ન હોઉં તો શું ઇટલીના વડા પ્રધાનનો ચમચો હોઉં?’
નિહલાની સરમુખત્યાર છેઃ અનુરાગ
અનુરાગ કશ્યપે સેન્સર બોર્ડના ચીફ પહલાજ નિહલાણીને સરમુખત્યાર જણાવ્યા હતા, પરંતુ સાતમી જૂને નિહલાણીએ અનુરાગ પર એવો આરોપ મૂક્યો હતો કે તેણે આમ આદમી પાર્ટી પાસેથી પૈસા લીધા છે. નિહલાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ ફિલ્મને લઈને તેમના પર પોલિટિકલ પ્રેશર હતું? ત્યારે આ વિશે તેમણે કહ્યું હતું કે ‘ના, મારા પર કોઈ જાતનું પ્રેશર નથી. પરંતુ મને એ પણ નથી ખબર કે આ કોણ હેન્ડલ કરી રહ્યું છે.’ નિહલાણીને પૂછવામાં આવ્યું કે તો પછી અનુરાગ તેમને કેમ નિશાન બનાવે છે? ત્યારે આ વિશે તેમણે કહ્યું હતું કે, ‘એ તેનો નિર્ણય છે. મેં એવું સાંભળ્યું છે કે તેણે આમ આદમી પાર્ટી પાસેથી પૈસા લીધા છે. તેથી કોઈ સવાલ જ નથી આવતો.’
આમ આદમીએ કેટલાક દૃશ્યો માટે પૈસા આપ્યા છેઃ નિહલાની
પહલાજ નિહલાણીને પૂછવામાં આવ્યું કે તેમનો કહેવાનો મતલબ એવો છે કે પંજાબને ખરાબ રીતે રજૂ કરવા માટે આમ આદમી પાર્ટીએ તેને પૈસા આપ્યા હતા? આનો જવાબ આપતાં નિહલાણીએ કહ્યું હતું કે, ‘હા. મેં આવું જ સાંભળ્યું છે. આ વાત ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે.’ દિલ્હીમાં હાલમાં ‘આપ’નું રાજ છે અને આવતા વર્ષે પંજાબમાં ઇલેક્શન આવે છે જેમાં આમ આદમી પાર્ટી પાવરમાં આવી શકે એમ છે. નિહલાણીએ અનુરાગ કશ્પયે આમ આદમી પાર્ટી પાસે પૈસા લીધા છે એવી વાત કરી હતી. આ વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘મેં એ જ કહ્યું છે જે મેં સાંભળ્યું છે અને હું એ વિશે માફી નહીં માગુ તેમજ ફિલ્મમેકરોએ તેમની ફિલ્મ બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. મારા રાજીનામાનું ટેન્શન તેમણે ન લેવું જોઈએ.’
ફિલ્મના સર્ટિફિકેશનમાં અમારો હાથ નથીઃ ભાજપ
આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલે નિહલાણી પર એવો આરોપ મૂક્યો હતો કે, તેણે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી ‘ઉડતા પંજાબ’ને અટકાવી દીધી છે. આ વિશે યુનિયન મિનિસ્ટર રાજીવ પ્રતાપ રુડીએ કહ્યું હતું કે, અમને ‘ઉડતા પંજાબ’ની રિલીઝ અટકાવવામાં કોઈ રસ નથી. આમ આદમી પાર્ટી વિવાદો પર જીવે છે. આ રાજનીતિને ધ્યાનમાં રાખીને ઊભો કરાયો છે.’
‘ઉડતા પંજાબ’ને ભાજપના ઇશારે અટકી છે: કેજરીવાલ
એક તરફ નિહલાણીએ એવો આરોપ મૂક્યો હતો કે અનુરાગ કશ્યપે આમ આદમી પાર્ટી પાસે પૈસા લીધા છે. ત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલે એવું કહ્યું હતું કે, નિહલાણીએ ભાજપના ઇશારે ‘ઉડતા પંજાબ’ને હજી સુધી પાસ નથી કરી. આ વિશે અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું હતું કે, ‘નિહલાણીનું સ્ટેટમેન્ટ આમ આદમી પાર્ટીનું અનુરાગ કશ્યપ સાથેનું જોડાણ એ વાતને સાબિત કરે છે કે તેમણે આ ફિલ્મને ભાજપના કહેવાથી અટકાવી છે.’
સેલિબ્રિટીઓ નારાજ
‘ઉડતા પંજાબ’ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટા ભાગની સેલિબ્રિટીઓએ સપોર્ટ કર્યો છે અને એમાં આમિર ખાન પણ બાકાત નથી. આ વિશે આમિર ખાને કહ્યું હતું કે, ‘ફિલ્મમેકરના અવાજને દબાવવો ન જોઈએ.’ આમિર ખાનને જ્યારે ‘ઉડતા પંજાબ’ વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે ‘આ ખૂબ જ દુઃખની વાત છે. ‘ઉડતા પંજાબ’ને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું એનું મને દુખ છે. મને ખબર છે ત્યાં સુધી આ ફિલ્મ ડ્રગ્સના એડિક્શન વિશે છે અને એક સોશ્યલ મેસેજ આપે છે. મને નથી લાગતું કે આ ફિલ્મમાંથી કેટલાંક દૃશ્યો કાઢી નાંખવા જોઈએ અને દર્શકોને એનાથી દૂર રાખવા જોઈએ. આનાથી સેન્સર બોર્ડની જ બદનામી થઈ છે. મને એવી આશા છે કે આ ફિલ્મને કોર્ટમાં ન્યાય મળશે. વાણીસ્વાતંત્ર્યનો હક બધાને જ હોય છે.’
બચ્ચન બોલ્યાઃ ક્રિએટિવિટી મારો નહીં
અમિતાભ બચ્ચને પણ ‘ઉડતા પંજાબ’ની સેન્સર સાથેની લડાઈમાં ફિલ્મને સપોર્ટ કર્યો છે. ‘તીન’ની પ્રેસ-કોન્ફરન્સ દરમ્યાન અમિતાભ બચ્ચનને આ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, ‘આ ઇશ્યુ શું છે એની હજી સુધી મને પૂરતી માહિતી નથી. હું એ વિશે હજી વાચી રહ્યો છું. હું હાલમાં તો એટલું જ કહેવા માગીશ કે ક્રિએટિવિટીને મારી નાંખવાનો પ્રયત્ન ન કરો. જો તમે ક્રિએટિવિટીને મારી નાંખશો તો એની અસર એક આર્ટિસ્ટના આત્મા પર પડશે. મને ખબર છે કે આ માટે કેટલાક નિયમો સરકાર નક્કી કરે છે. જોકે એક કલાકાર તરીકે હું એટલું જ કહેવા માગુ છું કે કલાકારની સર્જનાત્મક્તાને મારો નહીં.’
હરભજન - રવીન્દ્રનો પણ ‘ઉડતા પંજાબ’ને સપોર્ટ
‘ઉડતા પંજાબ’માંથી પંજાબ અને એને લાગતી વળગતી તમામ બાબતો કાઢી નાંખવાની વાતો ચાલી રહી છે ત્યારે હરભજન સિંહ અને રવીન્દ્ર જાડેજાએ ફિલ્મને સપોર્ટ કર્યો છે. હરભજન પોતે પંજાબી છે અને તેણે ટ્વિટર પર ટ્વિટ કરતાં કહ્યું હતું કે, ‘પંજાબ પ્રેમ, શાંતિ, ભાઈચારો, સંસ્કૃતિ, સન્માન, સ્વાતંત્ર સેનાનીઓ, ખેલાડીઓ અને મ્યુઝિક માટે પણ જાણીતું છે. મને ગર્વ છે કે હું પંજાબી અને ભારતીય છું. હું ફિલ્મનો શોખીન નથી, પરંતુ પંજાબમાં જે થઈ રહ્યું છે એ જ ‘ઉડતા પંજાબ’માં દર્શાવવામાં આવ્યું હોય તો એમાં ખોટું નથી. અમે અમારા પંજાબને ડ્રગ્સ-ફ્રી રાજ્ય તરીકે ઇચ્છીએ છીએ તેથી સચ્ચાઈ ફિલ્મમાં દર્શાવાઈ હોય તો એને એમ ને એમ જ રહેવા દેવી જોઈએ. હું મારાં ભાઈ-બહેન અને મારી જન્મભૂમિ પંજાબ માટે હંમેશાં સાથ આપીશ. હું કોઈ ફિલ્મને સપોર્ટ નથી કરતો, પણ પંજાબની વાત છે એટલે જે સાચું હોય એ થવું જોઈએ.’ બીજી તરફ રવીન્દ્ર જાડેજાએ ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે, ‘ડ્રગ્સ અને માફિયા દ્વારા પંજાબનો વિનાશ થઈ જાય એનાથી કોઈ ફરક નથી પડતો. બધાને એ વાતની મુશ્કેલી છે કે એના પર ફિલ્મ બની.’