ચાર વર્ષના લગ્નજીવન બાદ ગયા સપ્તાહે જ નતાશા સાથે છૂટાછેડા લેનાર ક્રિકેટર હાર્દિક પંડયા અને બોલીવૂડ એકટ્રેસ અનન્યા પાંડે વચ્ચે નિકટતા વધી હોવાના સંકેત છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને યુવા અભિનેત્રી એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરવા લાગ્યાં છે.
તાજેતરમાં એક ફંકશનમાં પણ અનન્યા અને હાર્દિક બહુ આત્મીયતાપૂર્વક એકબીજા સાથે હળીમળી રહ્યાં હોવાનું કેટલાક વાયરલ વીડિયોમાં જોવા મળતું હતું. આ પછી હાર્દિક અને અનન્યા એકમેકને સોશિયલ મીડિયા પર ફોલો કરવા લાગતાં એવું લાગે છે કે બન્ને વચ્ચેની એ નિકટતા એકાદ પ્રસંગ પૂરતી મર્યાદિત ન હતી.
અનન્યા પાંડે લાંબા સમય સુધી આદિત્ય રોય કપૂર સાથે રિલેશનશિપમાં હતી. જોકે, થોડા સમય પહેલાં જ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. બીજી તરફ, હાર્દિક પંડયા પણ પત્ની નતાશા સાથે સેપરેશન જાહેર કરી ચૂક્યો છે. આમ બંને હૃદયભગ્ન લોકો એકમેકની નજીક આવી રહ્યા હોવાનું હાલ જણાય છે.
અટકળ આખરે સાચી પડી
હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા સ્ટેનકોવિકે ગત 18 જુલાઇએ જ સોશિયલ મીડિયાના માધ્યમથી છૂટાછેડાની જાહેરાત કરી હતી. તેમની વચ્ચે મતભેદ ચાલી રહ્યા હોવાની અટકળો લાંબા સમયથી ચાલતી હતી. હાર્દિક અને નતાશાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ અમે પરસ્પર સંમતિથી છુટા પડી રહ્યા છીએ. દીકરા અગસ્ત્યને તમામ ખુશીઓ આપી શકીએ તે માટે અમે સાથે મળીને તેનો ઉછેર કરીશું.
આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં અમને પ્રાઇવસી અને સહકાર આપવા વિનંતી કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે નતાસા દીકરા અગસ્ત્ય સાથે તેના પેરન્ટ્સના ઘરે સર્બિયા પહોંચી છે. તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પેરન્ટ્સના ઘરની તસવીર સાથે ‘હોમ સ્વીટ હોમ’ લખ્યું હતું.