અભિનેત્રી કેટરીના કેફે દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા વિશે સાતમી ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, ભારત સૌથી સહનશીલ દેશ છે અને અહીં તે આખું જીવન પસાર કરવા માગશે. સુપરસ્ટાર આમિર ખાન અને શાહરૂખ ખાને અસહિષ્ણુતા પર છેલ્લા કેટલાક સમયમાં પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને અનુપમ ખેર અને અન્ય કલાકારોએ તેનો વિરોધ કર્યો છે એ માહોલમાં પોતાની આગામી ફિલ્મ ‘ફિતૂર’ના પ્રચાર દરમિયાન કેટરીનાએ કહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી અસહિષ્ણુતા અંગેની ચર્ચા ચાલતી આવી છે. આ મુદ્દે મારું માનવું છે કે ભારત સૌથી સહનશીલ દેશ છે. જ્યારે પહેલી વખત હું ભારત આવી ત્યારે લાગ્યું હતું કે હું ઘરે પાછી આવી છું. જે લાગણી અને આદર અહીં મળે છે તે બીજે ક્યાંય મળે નહીં. હું મારું આખું જીવન અહીં વિતાવવાનું પસંદ કરીશ.