બોલિવૂડમાં પોતાના સૌંદર્યના ઓજસ પાથરી ચૂકેલી અભિનેત્રી મમતા કુલકર્ણી વર્ષો બાદ સ્વદેશ પર ફરી છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપનારી મમતાનું નામ ડ્રગ્સની દાણચોરીમાં પણ સામે ચર્ચાના ચકડોળે ચડી ચૂક્યું છે. અહેવાલો અનુસાર મમતાએ ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. જોકે હવે એક ઇન્ટરવ્યૂમાં મમતાએ કહ્યું હતું કે તે પરિણીત નથી અને તે આજે પણ સિંગલ જ છે. ઈન્ટરનેટ પર વિકી ગોસ્વામી સર્ચ કરો તો તેની પત્નીના નામમાં મમતા કુલકર્ણીનું નામ જોવા મળે છે. અહેવાલોમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે બન્નેએ લગ્ન કર્યા છે. જોકે હવે મમતાનું કહેવું છે કે હું પરિણીત નથી, અને વિકી મારો પતિ નથી. હું હજુ પણ સિંગલ છું. મેં કોઈની સાથે લગ્ન નથી કર્યા. વિકી અને મારી વચ્ચે રિલેશનશિપ હતી, પરંતુ મેં તેને 3-4 વર્ષ પહેલાં જ બ્લોક કરી દીધો હતો. જોકે, સાથે સાથે જ મમતાએ એમ પણ કહ્યું હતું કે વિકી સારી વ્યક્તિ છે. તેનું હૃદય ચોખ્ખું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધા તેની પાસે જતા હતા અને તેથી જ હું પણ તેને મળવા ગઈ હતી, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વિકીને મળનારી હું છેલ્લી વ્યક્તિ હતી.
ઉલ્લેખનીય છે કે ડ્રગ્સની દાણચોરીનો આરોપસર વિકી ગોસ્વામીને 1997માં 10 વર્ષ માટે દુબઇમાં જેલ થઈ હતી. અહેવાલો અનુસાર આ સમયે મમતા તેને જેલમાં મળવા જતી હતી અને તે જેલમાં હતો ત્યારે જ મમતાએ તેની સાથે લગ્ન પણ કર્યા હતા. મમતા કુલકર્ણી પર પણ વિકીની સાથે ડ્રગ્સની દાણચોરીમાં સામેલ હોવાનો આરોપ હતો. જોકે, અદાલતે મમતાને ક્લીનચીટ આપી દીધી છે.
25 વર્ષે ભારત પરત
આશરે 2000 કરોડ રૂપિયાના ડ્રગ કેસમાં બોમ્બે હાઈ કોર્ટ દ્વારા ક્લિનચીટ મળ્યા બાદ મમતા કુલકર્ણી પાછી ભારત આવી છે. મમતાના દાવા અનુસાર તે 2000માં ભારત છોડીને ગઈ હતી. મમતાએ આ પ્રસંગે એક સેલ્ફી વીડિયો શેર કર્યો હતો. એરપોર્ટ બહાર પગ મૂકતાં જ તે ભારે ભાવુક બની ગઈ હતી. આખરે તે ફરી આમચી મુંબઈમાં પહોંચી આવી છે. મમતા અને તેના પાર્ટનર વિકી સામે ડ્રગ કૌભાંડમાં સંડોવણીના આરોપો હતા. મમતાએ મેથામેન્ટામાઈનના ઉત્પાદન માટે એફેડ્રીનના સપ્લાયમાં ભૂમિકા ભજવી હોવાના આરોપો હતા. તે વિકી ગોસ્વામી સાથે કેન્યામાં ડ્રગ ડીલર્સની મીટિંગમાં પણ હાજર હોવાના આરોપો મૂકાયા હતા. જોકે, હાઈકોર્ટે તેની સામેના આરોપો સાબિત ન થતા હોવાનું જણાવી એફઆઈઆર રદ કરી દીધી હતી. મમતા કુલકર્ણી 90ના દાયકામાં બોલીવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીમાંની એક હતી. તેણે મેગેઝિન માટે ટોપલેસ ફોટોશૂટ કરાવી ખળભળાટ મચાવી દીધો હતો. ‘કરણ અર્જુન’ સહિતની ગણીગાંઠી ફિલ્મોમાં તેણે ભૂમિકા ભજવી હતી. યોગાનુયોગે મમતા બરાબર એ જ સમયે પાછી આવી છે જ્યારે ‘કરણ અર્જુન’ ફરી રીલિઝ થઈ છે.