એકટ્રેસ દીપિકા પાદુકોણે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે વિદ્યાર્થીઓ સાથે તેના શાળાજીવન અને લાગણીઓ વ્યક્ત કરવાના મહત્ત્વ વિશે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેણે તેના બાળપણના તોફાનો અને અભ્યાસમાં તેને જે પડકારોનો સામનો કરવો પડ્યો તે વિશે ખુલ્લા મને વાત કરી. દીપિકાએ કહ્યું ‘હું ખૂબ જ તોફાની બાળક હતી. હું હંમેશા સોફા, ટેબલ અને ખુરશીઓ પર કૂદકા મારતી હતી. જોકે ક્યારેક હું ખૂબ જ તણાવમાં આવી જતી હતી, જેમ કે હું ગણિતમાં ખૂબ જ નબળી હતી અને આજેય છું.’
વડાપ્રધાન મોદીના પુસ્તક ‘એક્ઝામ વોરિયર્સ’નો ઉલ્લેખ કરતા દીપિકાએ કહ્યું ‘એક્સપ્રેસ નેવર સપ્રેસ’ એટલે કે હંમેશા તમારી લાગણીઓ વ્યક્ત કરો, તેમને ક્યારેય દબાવો નહીં. આ ચર્ચા દરમિયાન દીપિકાએ વિદ્યાર્થીઓ માટે એક રસપ્રદ એક્ટિવિટી પણ કરાવી હતી જેમાં દરેકને તેમની સૌથી મોટી તાકાત ઓળખવા અને તેને લખવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે, તેમણે તેમના ડિપ્રેશન દરમિયાનના અનુભવો પણ શેર કર્યા અને જણાવ્યું કે પોતાની જાતને વ્યક્ત કરવાનું કેટલું મહત્ત્વપૂર્ણ છે. દીપિકાએ આ અદભુત તક માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને તમામ વિદ્યાર્થીઓને તેમની પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી.