હું રાક્ષસની જેમ જમતો હોવાથી સજા મળીઃ મિથુન

Tuesday 13th February 2024 05:56 EST
 
 

બોલિવૂડ અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીને કથિતપણે ઇસ્કેમિક સેરેબ્રો-વાસ્કુલરનાં લક્ષણ દેખાયા બાદ ગયા શનિવારે સવારે કોલકતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી તેમને સોમવારે રજા આપવામાં આવી છે. ઇસ્કેમિક સેરેબ્રો-વાસ્કુલરનો સરળ શબ્દોમાં અર્થ છે ધમનીમાં અવરોધ સર્જાવો અથવા તો બંધ થઇ જવી. મગજ સુધી પહોંચતું લોહી ગંઠાઈ જવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડિસ્ચાર્જ થયા બાદ હોસ્પિટલથી બહાર આવેલા સુપરસ્ટારે કહ્યું હતું કે વધુ પડતું ખાવાની આદત તેમણે છોડી દીધી છે અને આથી તેમને કોઈ પરેશાની નથી. તેમણે કહ્યું હું રાક્ષસની જેમ જમતો હતો એટલે જ મને સજા મળી છે. દરેકને આહાર પર નિયંત્રણ રાખવાની મારી સલાહ છે. ખાસ તો જે લોકો ડાયાબિટીસના દર્દી છે તેમણે એ ગેરસમજ ના રાખવી જોઈએ કે ગળ્યું ખાવાથી કોઈ ફરક નહીં પડે. પોતાના આહાર પર નિયંત્રણ રાખો.
આ પૂર્વે હોસ્પિટલમાં એડમિટ થયેલા મિથુનનો સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે ડોક્ટરો સાથે વાતચીત કરતા જોવા મળે છે. ટીએમસી તરફથી રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા અને હાલ ભાજપ સાથે જોડાયેલા મિથુનની મુલાકાત પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદાર અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ લીધી હતી અને તેમના ખબરઅંતર જાણ્યા હતા. તાજેતરમાં પદ્મ ભૂષણથી સન્માનિત ‘ડીસ્કો ડાન્સર’ મિથુન ચક્રવર્તીને છાતીમાં તીવ્ર દુઃખાવો અને સ્ટ્રોકને પગલે શનિવારે કોલકતાની એક ખાનગી હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં એડમિટ કરાયા હતા.
મિથુનદાએ સ્પષ્ટતા કરી હતી કે ભલે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય, પણ આ મુશ્કેલી આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મને ભાજપનો પ્રચાર કરતાં રોકી શકશે નહીં. પશ્ચિમ બંગાળમાં લોકસભા વિસ્તારોની દેખરેખ કોણ રાખશે? હું કરીશ. હું ભાજપની સાથે સક્રિયપણે જોડાયેલો રહીશ. જો કહેવામાં આવશે તો ચૂંટણી પ્રચાર માટે બીજા રાજ્યોમાં પણ જઈશ. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ સન્માન કરું છું.
ઉલ્લેખનીય છે કે એક સફળ બહુભાષી ફિલ્મ સ્ટાર હોવા ઉપરરાંત મિથુન ચક્રવર્તીની રાજકીય કારકિર્દી નોંધનીય રહી છે. નોંધનીય છે કે વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણી પહેલાં મિથુન ચક્રવર્તી નરેન્દ્ર મોદીની હાજરીમાં કોલકાતામાં એક મેગા રેલી દરમિયાન ભાજપમાં સામેલ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter