‘હું લગ્ન પહેલાં સેક્સ માણું કે પછી પતિ સિવાયના અન્ય લોકો સાથે સેક્સ માણું, હું ગમે તેવાં વસ્ત્રો પહેરું અને રાત્રે ઘરે ગમે ત્યારે આવું, મારી મરજી’, આવું નિવેદન આપતો દીપિકા પદુકોણનો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે. જોકે, આ વીડિયો સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓને કંઇ પણ પસંદ-નાપસંદ કરવાના વિશેષાધિકારના નામે ‘માય ચોઇસ’ એવાં ટાઇટલ સાથે રિલીઝ કરાયો છે પણ તેમાં દર્શાવેલી પસંદગીઓને ખરેખર સ્ત્રીઓના અધિકારો કે સશક્તિકરણ સાથે કેટલી સંબંધિત છે એ અંગે વિવાદ પણ સર્જાયો છે.
એક ફેશન મેગેઝિન દ્વારા તેની એનિવર્સરી નિમિત્તે હોમી અડજાણિયાના દિગ્દર્શનમાં દીપિકા સહિત ૯૯ જાણીતી મહિલાઓનો શોર્ટ વીડિયો તૈયાર થયો છે. તેને મહિલાવાદના વાઘા પહેરાવાયા છે. આ વીડિયો ઓનલાઈન વાયરલ બની ચૂક્યો છે અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની ભારે ચર્ચા થઈ રહી છે. જોકે, તેનાથી સ્ત્રી સશક્તિકરણને ખાસ કોઈ મદદ મળતી હોવાની વાત સાથે અનેક લોકો અસંમત છે.