‘ફાઈટર’ ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા હૃતિક રોશનને એરફોર્સ યુનિફોર્મમાં કિસ કરતાં દર્શાવાતાં એરફોર્સના એક વિંગ કમાન્ડરે દીપિકા અને હૃતિક ઉપરાંત ફિલ્મ સર્જકોને કાનૂની નોટિસ પાઠવી છે. આસામમાં ફરજ બજાવતા વીંગ કમાન્ડર સૌમ્ય દીપે જોકે પોતાની વ્યક્તિગત ક્ષમતાથી આ નોટિસ આપી છે. ભારતીય વાયુ દળ દ્વારા આ નોટિસ અપાઈ નથી. વીંગ કમાન્ડર સૌમ્ય દીપે લીગલ નોટીસમાં જણાવ્યું છે કે, એર ફોર્સનો યુનિફોર્મ ફક્ત વસ્ત્રનો એક ટુકડો નથી. આ દેશની રક્ષા કાજે ત્યાગ - અનુશાસન અને અતૂટ સમર્પણનું પ્રતીક છે. આ યુનિફોર્મ એક પવિત્ર પ્રતીક છે, જેનો ઉપયોગ રોમેન્ટિક એન્ગલ દેખાડવા માટે કરવામાં આવે એ ખોટું છે. આવાં દૃશ્યોથી દેશની સેવા માટે પોતાના જાનનું બલિદાન આપનારા અસંખ્ય જવાનોનું અપમાન થયું છે. નોટિસમાં એમ પણ જણાવ્યું છે કે યુનિફોર્મ ધારણ કરેલા ઓફિસર્સ જાહેર જગ્યાએ કોઈ રોમાન્ટિક ચેષ્ટા કરી શકે જ નહીં. આ નિયમોનો ભંગ છે. તે ગેરજવાબદારી અને અનાદર તથા ગેરશિસ્તનું પણ સૂચક છે. તેમણે ફિલ્મમાંથી આ દૃશ્ય દૂર કરવા અને સર્જકો દ્વારા જાહેર માફી માગવામાં આવે તેવી માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે ‘ફાઈટર’ ગયા મહિને રિલીઝ થઈ હતી. જોકે, આશરે 250 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર બહુ નોંધપાત્ર સફળતા મળી નથી.