બોલિવૂડની પીઢ અભિનેત્રી હેમા માલિનીના તાજેતરના એક ટ્વિટથી બોલિવૂડમાં અને દીપિકા પદુકોણના પ્રશંસકોમાં ભારે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. હેમા માલિનીએ ટ્વિટ કર્યું હતું કે, ‘દીપિકા, તને સગાઈની વધાઈ. ભગવાન પાસે તમારા બંનેના સારા ભવિષ્ય અને ખુશીઓ માટે હું પ્રાર્થના કરું છું.’ આ ટ્વિટ આવતાંની સાથે જ પ્રશંસકોએ એવું ધારી લીધું હતું કે દીપિકા પદુકોણે સગાઈ કરી લીધી છે અને તે ગુપ્ત રાખી છે, પણ હેમા માલિનીએ હરખમાં આવીને તેની સગાઈની વાત જાહેર કરી નાંખી છે.
હેમા માલિનીની ટ્વિટ પછી સોશિયલ મીડિયા પર સંદેશાઓનો મારો શરૂ થઈ ગયો હતો. ટ્વિટર પર દીપિકા પદુકોણને અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ હતી. જોકે હેમાએ આ ટ્વિટ અભિનેત્રી દીપિકા પદુકોણ માટે નહીં, પણ પોતાની એક મિત્ર દીપિકા માટે કરી હતી. હેમા માલિનીને ટ્વિટર પર મેસેજ આવતાં તેને આ બાબતની જાણ થઈ હતી અને તરત જ માલિનીએ ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી હતી કે તે દીપિકા પદુકોણને નહીં પોતાની એક અન્ય મિત્રને સગાઈ થયાના વધામણા આપી રહી છે.