જૂની હિન્દી ફિલ્મોમાં પોતાની અનોખી નૃત્યકળાથી દર્શકોના દિલો પર રાજ કરનાર હેલનની હિન્દી ફિલ્મમાં વાપસી થઇ રહી છે. તેઓ ‘બચપન એક ધોખા’ ફિલ્મમાં દેખાશે. ફિલ્મના એક દૃશ્ય અંગે તેમને વાંધો હોવાથી ફિલ્મના પ્રમોશનમાં તેમણે ભાગ લીધો નહોતો.
આ ફિલ્મના એક દૃશ્યમાં પદ્મિની કોલ્હાપુરેને ચાબુક ફટકારવામાં આવે છે ત્યારે પાછળ જીસસ ક્રાઈસ્ટની મૂર્તિ છે જેના પર પણ એક ચાબુક વાગે છે, આથી હેલન નારાજ છે. આ ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો કહે છે કે, હેલને દિગ્દર્શક સાથે આ વાત કરી હતી, તેમજ તેમણે પોતાના સહકલાકાર ટોમ ઓલ્ટર સાથે પણ ચર્ચા કરી હતી. તેઓ પણ હેલન સાથે સંમત થયા હતા. જોકે, પછી દિગ્દર્શક રાજીવ વર્માએ તેમની ફરિયાદ દૂર કરવાનું વચન આપ્યું હતું. પરંતુ પછીથી તેઓ ફરી ગયા હતા. વર્માએ કહ્યું હતું કે સેન્સરબોર્ડને આ દૃશ્યમાં કોઈ વાંધાજનક લાગ્યું નથી અને ફિલ્મને ‘યુ’ સર્ટિફિકેટ પણ મળી ગયું છે.