મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રી મલ્લિકા શેરાવત બોલિવૂડમાં ખાસ કંઈ ઉકાળી શકી નથી છતાં હોલિવૂડમાં એક બે ફિલ્મો થકી તે સારી એવી ઓળખાતી બની છે. હવે હોલિવૂડની ફિલ્મો મેળવવામાં પણ મલ્લિકા સફળ રહેતી ન હોવાથી તેણે ચીન તરફ વાટ પકડી. અભિનેત્રીએ એક ચાઇનિઝ ફિલ્મ ‘ટાઇમ રેડર્સ’માં કામ કર્યું છે. આ ફિલ્મ તે મે માસમાં ઉજવાયેલા કાન્સ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત કરી હતી. મલ્લિકાની આ ફિલ્મના દિગ્દર્શક હોંગકોંગના ડેનિયલ લી છે. આ ફિલ્મનું શૂટિંગ મલ્લિકાએ ગયા વરસમાં પૂરું કર્યું હતું.
આ એક ૫૦ મિલિયન ડોલરનો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હોવાથી હું આ ફિલ્મ માટે ના પાડી શકી નહીં. ચીનમાં બોલિવૂડની ઉત્સુક્તા જોવા મળે છે. તે આનંદ તેમજ ગર્વની વાત છે. તેમ અભિનેત્રીએ જણાવ્યું હતું. મલ્લિકા ભૂતકાળમાં જેકી ચેન જેવા સફળ લોકપ્રિય ચાઇનીઝ કલાકાર સાથે કામ કરી ચૂકી છે. વધુ એક ચાઇનીઝ ફિલ્મ માટે અભિનેત્રીની વાતચીત ચાલુ છે.