હોલિવૂડ જેવી ફિલ્મો બોલિવૂડમાં નહીં બનતો હોવાનો અફસોસ ઘણાં લોકો વ્યક્ત કરતા રહે છે અને હોલિવૂડના બિગ બજેટ પ્રોજેક્ટમાં ભારતીય સ્ટારને રોલ મળે એટલે ભારતીય ફિલ્મચાહકો રાજી-રાજી થઈ જાય છે. જોકે હોલિવૂડ સાથે સરખામણીના મામલે ભારતીય ફિલ્મ સ્ટાર્સ સહેજ પણ ઉતરતા નહીં હોવાનું પુરવાર કરતી એક ઘટના બની છે. જેમાં હોલિવૂડની મોટા બજેટની ફિલ્મ માટે સલમાન ખાન અને સંજય દત્તની મદદ લેવાઇ છે.
સંજય દત્ત અને સલમાન ખાન ઉંમરની દૃષ્ટિએ 60ની નજીક પહોંચ્યા છે, પરંતુ તેમના ચાહકો દુનિયાભરમાં છે. ખૂબ બહોળો ફેન બેઝ ધરાવતા આ બંને સ્ટાર્સ વચ્ચે મિત્રતા પણ ઘણી સારી છે. વર્ષો અગાઉ તેમણે ‘સાજન’, ‘યે હૈ જલવા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરેલું છે. તેમની ઓનસ્ક્રિન ભાઈબંધી ઓડિયન્સને ખૂબ પસંદ છે. ઘણાં વર્ષોથી આ બન્ને સ્ટારે સાથે કામ કર્યું નથી, પરંતુ એક અમેરિકન થ્રિલર પ્રોજેક્ટ માટે તેઓ ફરી ભેગા થઈ રહ્યા છે.
એક અહેવાલો મુજબ, સલમાન અને સંજય થોડા દિવસ પહેલા સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. સાઉદીમાં તેમણે બિગ બજેટ હોલિવૂડ થ્રિલર માટે 17થી 19 ફેબ્રુઆરી દરમિયાન શૂટિંગ કર્યું છે. ફિલ્મમાં તેમનો કેમિયો છે. અમેરિકામાં થોડા સમય પહેલા શરૂ થયેલા પ્રોડક્શન હાઉસ દ્વારા આ ફિલ્મ બની રહી છે.
ફિલ્મ મેકર્સ કે બન્ને એક્ટર્સ દ્વારા આ પ્રોજેક્ટ અંગે માહિતી અપાઈ નથી. જોકે અમેરિકન થ્રિલરમાં બન્ને સ્ટાર્સના અસરકારક કેમિયો હોવાનું કહેવાય છે. સલમાન અને સંજયને સ્ક્રિન પર સાથે લાવવાનું કારણ આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ બોલિવૂડ ઉપરાંત મિડલ ઈસ્ટમાં પણ ખૂબ લોકપ્રિય છે. ગ્લોબલ ઓડિયન્સને ધ્યાને રાખીને તેમના સીન ડિઝાઈન કરાયા છે. માત્ર ત્રણ દિવસનું જ શૂટિંગ હતું, પરંતુ તેમના રોલ યાદગાર છે. પ્રોડક્શન હાઉસ સાથે બન્ને એક્ટર્સ અને તેમની ટીમે ‘નો ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ’ કરેલા છે. જેથી અમેરિકન થ્રિલર પ્રોજેક્ટ અને તેમાં સંજય-સલમાનના રોલની જાણકારી હાલ જાહેર થશે નહીં. સાઉદી અરેબિયામાં આવેલું અલુલા તેના ડેઝર્ટ લેન્ડસ્કેપ અને પ્રાચીન સ્થાપત્યો માટે જાણીતું છે. ગેરાર્ડ બટલરની સ્પાય થ્રિલર ‘કંધાર’ સહિત અનેક હોલિવૂડ ફિલ્મોના અહીં શૂટિંગ થયેલા છે. જોકે એક રિપોર્ટ અનુસાર, 2021માં રિલીઝ થયેલી આર્જેન્ટિનિયન ફિલ્મ સેવન ડોગ્સની આ રિમેક છે. ફિલ્મમાં સલમાનનો ફર્સ્ટ લૂક પણ ઓનલાઈન લીક થઈ ગયો છે. ફિલ્મના સેટ પર મુંબઈની ધારાવી જેવો સ્લમ વિસ્તાર ઊભો કરાયો છે.