વિતેલા જમાનાની સુંદર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી ફરીથી બોલિવૂડમાં પગરણ માંડી રહી છે. છેલ્લે અમેરિકન ડાયરેક્ટર માર્ગરેટ સ્ટીફન્સ દ્વારા દિગ્દર્શિત ડોક્યૂમેન્ટરી ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે ફરીથી બોલિવૂડમાં પુનરાગમન કરવા તૈયાર છે. સની દેઓલે ‘ઘાયલ વન્સ અગેઇન’માં ખાસ ભૂમિકા ભજવવા માટે તેને મનાવી છે. આ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા તરીકે સની દેઓલ ભજવશે છે. ૧૯૯૦માં પ્રદર્શિત થયેલી ‘ઘાયલ’ ફિલ્મમાં મીનાક્ષીએ જ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું હતું. આમ પણ, મીનાક્ષીની અંતિમ ફિલ્મ સંતોષીની ‘ઘાતક’ જ હતી. જેમાં પણ સની દેઓલ તેની સાથે હતો. મીનાક્ષી ૧૯ વર્ષ પછી આ દિવાળી ધમાકાથી ફિલ્મ પડદે પાછી જોવા મળશે. ઇન્વેસ્ટમેન્ટ બેંકર હેરિશ મૈસુર સાથે લગ્ન કર્યા બાદ તે ૧૯૯૬માં અમેરિકાના ટેક્સાસ સ્થાયી થઇ હતી. તે અમેરિકામાં ભરતનાટ્યમ્, કથક અને ઓડિસી નૃત્યની તાલિમ આપે છે. તે ન્યૂ યોર્ક અને કેલિફોર્નિયામાં સામાજિક કાર્યો માટે ભંડોળ એકત્ર કરવા તેના વિદ્યાર્થીઓ સાથે નિયમિત શોનું આયોજન કરે છે.