ભારતીય સિને જગતની કેટલીક ઐતિહાસિક ફિલ્મોમાંની એક ‘શોલે’ હવે પાકિસ્તાનમાં રિલીઝ કરાશે. ૧૯૭૫માં પ્રદર્શિત થયા પછી ૪૦ વર્ષે પણ સોનાના ઈંડા સમાન બની રહેલી આ ફિલ્મને, વિતરકો ત્યાં રજૂ કરવા થનગની રહ્યાં છે. પાકિસ્તાનના લોકોમાં પણ આ ફિલ્મને લઈને બહુ ઉત્સુકતા છે. સલીમ-જાવેદની મજબૂત વાર્તા, વીરુ ભી ખુશ.. બસંતી ભી ખુશ.. અબ મરના કેન્સલ., કિતને આદમી થે... છે.... હુજુર..., જેવા સંવાદો આજે પણ ધૂમ મચાવે છે. આ ઉપરાંત એકશન-થ્રીલર, ધર્મેન્દ્ર-હેમામાલિની અને અમિતાભ બચ્ચન-જયા ભાદુરીના અલગ જ અંદાજમાં દર્શાવાયેલો રોમાન્સ, રમેશ સિપ્પીનું દિગદર્શન ફિલ્મનું એક મહત્ત્વનું પાસું છે. બીજી બાજુ બસંતીનો કાચના ટૂકડા પર નો અદભૂત ડાંન્સ, આર ડી બર્મનનું સંગીત, સંજીવકુમારની આગવી અદાકારી અને ગબ્બરના નામે થથરાવતા અમજદ ખાન, સાથે જ વિશિષ્ટ સંકલનને લઈને ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી બની રહેલી આ ક્લાસિક ફિલ્મે ભારતીય ફિલ્મ ઉદ્યોગને નવી ઉંચાઈઓ આપી છે. ‘શોલે’ વિષે માંડવીવલ્લા એંન્ટરટેનમેન્ટના માલિક નદીમ માંડવીવલ્લાએ કહ્યું કે પાકિસ્તાનમાં લોકોએ તેની પાયરેટેડ સીડી જોઈ હશે. પાકિસ્તાનના સિનેમા ઘરોમાં આ ફિલ્મ ક્યારેય દેખાડાઈ નથી. ઓરીજનલ ફિલ્મને મોટા પડદે જોવાની મજા જ કંઈક ઔર હોય છે. દરેક પેઢીના લોકોને ગમે તેવી આ ફિલ્મ, અત્યારે તો પાકિસ્તાનમાં ૨૩ માર્ચે રજૂ કરવાની યોજના છે. આ દિવસે પાકિસ્તાનમાં જાહેર રજા છે.