અભિનેતા અને નિર્માતા શશી કપૂરની ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર માટે પસંદગી થઇ છે. તેમણે ‘નમક હલાલ’, ‘દીવાર’ અને ‘કભી કભી’ સહિત ૧૦૦થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. ૧૮ માર્ચના રોજ ૭૭ વર્ષ પૂર્ણ કરનાર શશી કપૂર વ્હીલચેરમાં બેસીને જ ફરે છે અને કિડનીની બીમારી છે. આ એવોર્ડમાં સ્વર્ણ કમળ, રૂ. દસ લાખ રોકડા અને શાલ એનાયત થાય છે. સરકારે આ પુરસ્કાર આપવા માટે જાણીતી વ્યક્તિઓની નિર્ણાયક સમિતિ યોગ્ય વ્યક્તિની પસંદગી કરે છે. આ સમિતિએ માન્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સિનેમા અને નાટક ક્ષેત્રે પણ તેમનું યોગદાન મહત્ત્વનું છે.
શશી કપૂરનો જન્મ ૧૯૩૮માં થયો હતો અને તેમણે ચાર વર્ષની વયથી પોતાના પિતા દ્વારા દિગ્દર્શિત અને નિર્મિત નાટકમાં અભિનય કરવાનું શરૂ કર્યું હતું. તેમણે પૃથ્વી થિયેટર માટે પણ ઘણું યોગદાન આપ્યું હતું. તેમણે બ્રિટિશ અભિનેત્રી જેનિફર સાથે લગ્ન કર્યા હતા. તેમણે ‘બોમ્બે ટોકીઝ’ અને ‘જુનૂન’માં સાથે કામ કર્યું હતું. તેમના ત્રણ બાળકો - કુણાલ, કરણ અને સંજના કપૂર છે.
જેનિફર ૧૯૮૪માં કેન્સરથી મૃત્યુ પામી હતી અને તેથી શશી કપૂર ભાંગી પડ્યા હતા. તેની ગેરહાજરીમાં સંજનાએ પૃથ્વી થિયેટરનું કામકાજ સંભાળ્યું હતું.
• ૧૦-૧૧ વર્ષની ઉંમરે પ્રથમવાર ‘આગ’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે ફિલ્મી દુનિયામાં પદાર્પણ
• ‘આવારા’ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા. આ ફિલ્મમાં પિતા (પૃથ્વીરાજ), મોટાભાઈ (રાજકપૂર) સાથે કામ કર્યું
• શશીએ ૧૮ ફિલ્મોમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી છે. જે કોઈ સુપરસ્ટારે આજ દિન સુધી ભજવી નથી. ૬૩ ફિલ્મોમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી, તેમાંથી ૩૫ ફિલ્મો સુપરહિટ થઇ. ૫૧ ફિલ્મોમાં અન્ય હીરો સાથે કરી છે. ૨૨ ફિલ્મોમાં સહાયક અભિનેતા હતા. ૧૨ ઈંગ્લીશ ફિલ્મો કરી છે અને પાંચ ફિલ્મોમાં સંબંધોને કારણે મહેમાન કલાકાર તરીકે કામ કર્યું છે.
• કહેવાય છે કે અમિતાભ બચ્ચને પડદા પર અભિનયમાં ટક્કર આપનારમાં એક માત્ર શશી કપૂર હતા. ૭૦ના દાયકામાં સૌથી વધુ મહેનતાણું શશી કપૂર લેતા હતા. શશી કપૂર અને અમિતાભ બચ્ચને ૧૧ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જેમાંથી છ ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. નવાઈ લાગે તેવી વાત એ છે કે શરૂઆતમાં શશી કપૂરને અમિતાભ બચ્ચન કરતાં વધુ ફી ચૂકવાતી હતી.
• શર્મિલા ટાગોર સાથે તેમણે ૧૨ ફિલ્મો કરી હતી અને તેમાંથી છ ફિલ્મો સુપરડુપર હિટ ગઇ હતી.
• વર્ષ ૨૦૧૧માં તેમને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
• ભારતમાં સૌથી વધારે પદ્મ સન્માન મેળવનાર બચ્ચન પરિવાર છે મોખરે છે. તો બીજી તરફ સૌથી વધુ દાદાસાહેબ ફાળકે એવોર્ડ કપૂર પરિવારના નામે છે. પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર અને હવે શશી કપૂર.