અબુધાબીમાં યોજાયેલા ‘આઈફા’ એવોર્ડ્સમાં રણબીર કપૂરની ‘એનિમલ’એ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. બોલિવૂડ ટોચના સિતારાઓની ઉપસ્થિતિથી ચમકતા-દમકતા ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકડેમી એવોર્ડ (‘આઈફા’)માં આ વખતે સૌથી ચર્ચાસ્પદ રહ્યું હતું રેખાનું શાનદાર પર્ફોર્મન્સ. એવરગ્રીન બ્યૂટિક્વીન રેખાએ 69 વર્ષની વયે 150 ડાન્સર્સ સાથે વિન્ટેજ ગીતો પર નૃત્ય કરીને કલાકારોથી માંડીને દર્શકોની ભરપૂર પ્રશંસા મેળવી હતી. રેખાએ તેના નૃત્યથી દર્શકોને મોહ્યા હતા તો ‘કિંગ ખાન’ શાહરુખ આગવી અદાથી છવાઈ ગયો હતો.
27 સપ્ટેમ્બરે શરૂ થયેલા ત્રણ દિવસના સમારંભના બીજા દિવસે સંખ્યાબંધ ફિલ્મ કલાકારોએ સમારંભમાં હાજરી આપી હતી. હેમામાલિની, રાની મુખરજી, અનિલ કપૂર, બોબી દેઓલ, વિક્કી કૌશલ, શાહિદ કપૂર અને કૃતિ સેનન જેવા કલાકારોએ હાજર રહીને સમારંભને ચાર ચાંદ લગાવી દીધા હતા. શાહરુખ ખાને કાર્યક્રમનું યજમાનપદ સંભાળવા ઉપરાંત દર્શકોનું મનોરંજન પણ કર્યું હતું. તેની સાથે મંચ પર વિક્કી કૌશલ અને કરણ જોહર પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ‘કિંગ ખાન’એ ‘ઝૂમે જો પઠાન...’ પર એક ડાન્સની પ્રસ્તુતિ કરીને લોકોના હૃદય જીતી લીધા.
એવોર્ડ સમારંભમાં કોને કયો પુરસ્કાર મળ્યો તે હકીકત પર એક નજર ફેરવીએ તો... ‘એનિમલ’ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જાહેર થયો હતો, જે ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને પ્રણલ રેડ્ડી વાંગાએ તે સ્વીકાર્યો હતો. ‘બારહવી ફેઇલ’ ફિલ્મ માટે વિધુ વિનોદ ચોપડાને બેસ્ટ ડિરેક્ટરના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ‘મિસીસ ચેટરજી વર્સીસ નોર્વે’ માટે રાની મુખરજીને બેસ્ટ એક્ટ્રેસનો તો ‘જવાન’ની મુખ્ય ભૂમિકા બદલ શાહરુખને બેસ્ટ એક્ટરના ખિતાબથી નવાજવામાં આવ્યો હતો. શબાના આઝમીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’), ‘એનિમલ’ માટે અનિલ કપૂરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. બેસ્ટ નેગેટિવ રોલ માટે બોબી દેઓલ (‘એનિમલ’) અને બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ પણ ફિલ્મ ‘એનિમલ’ને ફાળે ગયો હતો. બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)નો એવોર્ડ ભૂમિન્દર બબ્બલ અને અર્જન વૈલી (‘એનિમલ’)ને ફાળે ગયો હતો જ્યારે બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ)નો પુરસ્કાર શિલ્પા રાવ (‘જવાન’)ને અપાયો હતો.
ગયા શુક્રવારે ‘આઈફા ઉત્સવ’ સાથે શરૂ થયેલા ત્રણ દિવસના શાનદાર સમારંભનું સમાપન રવિવારે થયું હતું. સમાપન કાર્યક્રમમાં હની સિંહ, શિલ્પા રાવ, શંકર-અહેસાન-લોય જેવા દિગ્ગજ કલાકારો પ્રસ્તુતિ આપીને દર્શકોના દિલ જીતી લીધા હતા.