જૂનાં પ્રેમીએ આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરે જૂની કડવાશ ભૂલીને એકબીજાને જાહેરમાં હગ કરતાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે. બંનેના ચાહકોએ તેમનાં આ પુનર્મિલનને ‘આશિકી ટુ’ રિયુનિયન ગણાવ્યું હતું. આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ટી-સીરીઝના ગણપતિના દર્શને આવ્યાં હતાં ત્યારે અનાયાસે સામસામે આવી ગયાં હતાં. બંનેએ એકદમ જ જૂની કડવાશ ભૂલાવી દીધી હતી અને એકબીજાને બહુ પ્રેમપૂર્વક હગ કર્યું હતું. આ દૃશ્ય નજરે જોનારા લોકોએ ભારે આશ્ચર્ય અનુભવ્યું હતું.
આદિત્ય અને શ્રદ્ધા બન્નેએ પોતપોતાની કારકિર્દી ફલોપ ફિલ્મોથી શરૂ કરી હતી. પરંતુ, બંનેને ‘આશિકી ટુ’ ફિલ્મથી જબ્બર સફળતા મળી હતી. એ જ અરસામાં બંને વચ્ચે ડેટિંગ શરૂ થયું હોવાનું પણ કહેવાતું હતું. જોકે, થોડા સમયમાં જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. આદિત્ય હાલ અનન્યા પાંડે સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે જ્યારે શ્રદ્ધા કપૂર રોહન શ્રેષ્ઠા સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ હવે તેની સાથે પણ બ્રેકઅપ થઈ ગયાનું કહેવાય છે. બંનેએ ‘આશિકી ટુ’ પછી ‘ઓકે જાનુ’ નામની ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું, પરંતુ તે ફિલ્મ ખાસ ચાલી ન હતી. બંનેને પ્રેમથી હગ કરતાં જોઈ ચાહકો રાજી થઈ ગયા હતા. લોકોએ લખ્યું હતું કે આ બંનેને કોઇ તત્કાળ સાથે સાઈન કરો. તેમની જોડી જબ્બર જામે છે... કોઈએ લખ્યું હતું કે આ દૃશ્ય જોવા માટે આંખો તરસી ગઈ હતી. કોઈએ લખ્યું હતું કે અનન્યા પાંડે પર કોઈ જોખમ તો નથી ને? લોકોએ શ્રદ્ધાના ઓનસ્ક્રીન નામની ‘આરોહી’નો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે હજુ પણ આરોહીની આંખમાં રાહુલ માટે પ્રેમ દેખાય છે.