લોકસભામાં સાંસદ બન્યા પછી કંગના રણૌતની પહેલી ફિલ્મ ‘ઈમરજન્સી’ રિલીઝ થવાની તૈયારીમાં છે. કંગનાએ લોકસભા ચૂંટણીના પગલે ફિલ્મની રિલીઝ અટકાવી હતી, પરંતુ હવે તેણે ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું છે. જોકે કંગનાની ‘ઈમરજન્સી’નું ટ્રેલર લોન્ચ થતાં જ વિવાદની શરૂઆત થઈ ગઈ છે. અકાલ તખ્ત અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી જેવી શીખ સંસ્થાઓએ કંગનાની આ ફિલ્મ સામે વાંધો ઊઠાવ્યો. શીખ સમાજને ખોટી રીતે રજૂ કરાયો હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી થઈ છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના વડા હરજિન્દરસિંગ ધામીએ કહ્યું હતું કે, ફિલ્મમાં ઈરાદાપૂર્વક શીખોને ખરાબ ચીતરવામાં આવ્યા છે. શીખ સમાજમાં જરનૈલસિંગ ભિંદરાનવાલેને શહિદ ગણવામાં આવે છે, જ્યારે આ ફિલ્મમાં તેમના ચારિત્ર્યનું હનન કરાયું છે. અકાલ તખ્તના વડા ગ્યાની રઘુબીરસિંહના મતે આ ફિલ્મમાં શીખોને અલગાવવાદી ગણાવાયા છે અને ઈતિહાસમાં તેમની ભૂમિકાને ખરાબ ચીતરવામાં આવી છે. એક ષડયંત્રના ભાગરૂપે શીખોના બલિદાનને ભૂલાવી તેમને ખોટી રીતે રજૂ કરાયા છે.
કંગનાની ‘ઈમરજન્સી’માં ભારત દેશમાં કટોકટી લદાઈ તે સમયની વાત છે. ફિલ્મમાં કંગનાએ પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કર્યો છે. ફિલ્મમાં ઈન્દિરા ગાંધીની રાજકીય સફર અને તેમની સમક્ષ આવેલાં પડકારો રજૂ કરાયા છે. આ ફિલ્મમાં કંગનાની સાથે અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિન્દ સોમણ, શ્રેયસ તલપડે, વિશાક નાયર અને સતીષ કૌશિક મહત્ત્વના રોલમાં છે. ‘ઈમરજન્સી’ 6 સપ્ટેમ્બરે વર્લ્ડવાઈડ રિલીઝ થવાની છે.