મુંબઈ: સોના મહાપાત્રા, નેહા ભસીન સહિતની ગાયિકાઓએ મીટુ ઝુંબેશ અંતર્ગત સંગીતકાર અનુ મલિક પર છેડતી અને યૌન શોષણના આરોપ મૂક્યા છતાં અનુ મલિક ‘ઈન્ડિયન આઈડલ’ની સિઝન ૧૧માં નિર્ણાયક હતા. અનુ મલિકે તાજેતરમાં સોના મોહાપાત્રા સહિત ગાયિકાઓને ટ્વિટર પર શટ અપ કહ્યા સાથે લખ્યું હતું કે, મારે બે પુત્રીઓ છે અને હું આ પ્રકારની હરકતો વિચારું પણ નહીં ત્યારે સોશિયલ મીડિયા સતત આ મુદ્દે આક્ષેપ કરનાર ગાયિકાઓ અને અનુ મલિક તરફીઓ દ્વારા આલોચના થતી રહી. અંતે વકરતા જતા વિવાદ અને સતત આલોચનાઓ વચ્ચે અનુ મલિકને નિર્ણાયક તરીકે શોમાંથી દૂર કર્યાં છે. જોકે અનુ મલિકે કહ્યું કે, શોમાંથી ત્રણ અઠવાડિયાનો બ્રેક લીધો છે. હું શો છોડી નથી રહ્યો. હું જલ્દી જ મારા પર લાગેલા કલંકને દૂર કરીને કામ પર પાછો ફરીશ. કહેવાય છે કે સોના મહાપાત્રા અને અન્યોએ મહિલા પંચ અને સ્મૃતિ ઈરાનીને આ બાબતે પત્ર લખ્યો હતો. જેના પરિણામે ચેનલે આ પગલું ભર્યું છે.