મુંબઈઃ કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ની રિલીઝનો રસ્તો સાફ થયા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ફિલ્મો અંગેની શાખાએ કહ્યું છે કે, તેઓ પાક. કલાકારોને દર્શાવતી ફિલ્મો ‘રઈસ’ અને ‘ડિયર ઝિંદગી’ની રિલીઝનો પણ વિરોધ કરશે નહીં. નિર્દેશક કરણ જોહર અને નિર્માતા પ્રોડ્યુસર્સ ગિલ્ડના અધ્યક્ષ મુકેશ ભટ્ટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને તેમને ખાતરી આપી હતી કે, ઉરી હુમલા પછી ભારતના લોકોની લાગણીઓને માન આપતા હવે ફિલ્મ નિર્માતાઓ પાક. કલાકારો સાથે કામ નહીં કરે. એ પછી ફડણવીસે પોતાના સત્તાવાર નિવાસે કરણ જોહર અને ભટ્ટ સાથે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેની મુલાકાત ગોઠવી હતી અને ‘એ દિલ’ને રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે મનસેએ જાહેરાત કરી છે કે, ભારતીય આર્મી વેલફેર ફંડમાં રૂ. પાંચ કરોડ જમા કરાવી દેવાની શરત સાથે નિર્માતાઓને ‘એ દિલ હૈ મુશ્કિલ’ રિલીઝ કરવા કહ્યું છે.
મનસેના શાલિની ઠાકરેએ પાક. કલાકારો ધરાવતી ફિલ્મો અંગે કહ્યું હતું કે, આ ત્રણેય ફિલ્મોનું શૂટિંગ ઉરી હુમલા પહેલાં પૂરું થઈ ચૂક્યું હતું. તેથી આજની બેઠક બાદ સાફ થઈ ગયું છે કે ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘રઈસ’ અને ‘ડિયર ઝિંદગી’ની રિલીઝ રોકાશે નહીં, પણ આ પછીથી પાક. કલાકારવાળી કોઈ ફિલ્મ ભારતમાં રિલીઝ પણ નહીં થાય.
નોંધનીય છે કે ‘એ દિલ’માં પાક. કલાકાર ફવાદ ખાન સહઅભિનેતા છે. પાક. અભિનેત્રી માહિરા ખાન શાહરુખ ખાન સામે ‘રઈસ’માં હિરોઈન છે. ‘ડિયર ઝિંદગી’માં પાકિસ્તાની અભિનેતા અલી ઝફર છે.