ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ સમારોહની સાથે જ ઓસ્કાર 2025ના પડઘમ શરૂ થઈ ગયા છે. એવોર્ડ સમારોહને બે મહિના બાકી છે ત્યારે એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા આ વર્ષના ઓસ્કાર એવોર્ડ નોમિનેશનમાં પસંદ થયેલી 323 ફિચર ફિલ્મોની યાદી જાહેર થઈ છે. જે 207 ફિલ્મોને બેસ્ટ પિક્ચર કેટેગરી માટે પસંદ કરાઈ છે, તેમાં ‘કંગુવા’ અને ‘વીર સાવરકર’ સહિત 7 ભારતીય ફિલ્મો સામેલ છે.
97મા ઓસ્કાર એવોર્ડની સ્પર્ધા માટે પસંદ પામેલી સાતમાંથી ત્રણ ફિલ્મો હિન્દી છે. જેમાં ‘સંતોષ’, ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ અને ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’નો સમાવેશ થાય છે. જ્યારે ‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ’ને મલયાલમ અને હિન્દી બન્ને ભાષાની ફિલ્મ કહેવાય છે. આ ઉપરાંત મલયાલમ ફિલ્મ ‘ધ ગોટ લાઈફ’, તમિળ ફિલ્મ ‘કંગુવા’ અને બંગાળી ફિલ્મ ‘પુટુલ’નો સમાવેશ થાય છે.
‘પુટુલ’ના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર ઈન્દિરા ધાર છે અને ઓસ્કારમાં નોમિનેશન માટે પસંદ થયેલી પ્રથમ બંગાળી ફિલ્મ છે. ‘કંગુવા’ અને ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ પાસે મેકર્સને ખૂબ અપેક્ષા હતી. સુરિયા અને રણદીપ હુડાએ આ ફિલ્મો માટે ખૂબ મહેનત કરી હતી. જોકે ઓડિયન્સને આ ફિલ્મો ખાસ પસંદ આવી ન હતી. અન્ય ફિલ્મો પણ કમર્શિયલ રીતે ખાસ સફળ રહી નથી.