વૈજયંતી મૂવીઝ દ્વારા નિર્મિત ‘કલ્કી 2898 AD’ વર્લ્ડવાઇડ કમાણીમાં રૂ. 800 કરોડનો આંક વટાવી દીધો છે. ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન મુખ્ય ભૂમિકામાં છે. ‘કલ્કી 2898 AD’ ફિલ્મ દેશ-પરદેશમાં ધૂમ મચાવી રહી છે. દર્શકો દ્વારા બહુ જ પસંદ થયેલી આ ફિલ્મે પહેલા દસ દિવસમાં જ બોક્સ ઓફિસ કલેકશનમાં રોકેટગતિએ સફળતા મેળવી છે. ફિલ્મ રિલીઝના બીજા શનિવારે, ફિલ્મના હિન્દી વર્ઝને તેલુગુ વર્ઝન કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું, જેનાથી ફિલ્મની કમાણી વધી ગઈ હતી. ફિલ્મના દસમા દિવસના કલેક્શનમાં તેલુગુ વર્ઝનમાંથી રૂ. 11 કરોડ, તમિલમાંથી રૂ. 3 કરોડ, હિન્દીમાંથી રૂ. 18.5 કરોડ અને મલયાલમમાંથી રૂ. 1.5 કરોડનો સમાવેશ થતો હતો. આ પછી શનિવારે, તેની વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કમાણી રૂ. 800 કરોડનો આંકડો પાર કરી ગઇ હતી. ‘કલ્કી 2898 AD’ નોર્ધર્ન અમેરિકાના સિનેમાઘરોમાં પણ ધૂમ મચાવી રહી છે.
ફિલ્મના પ્રોડ્શન હાઉસ વૈજયંતી મૂવીઝે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘કલ્કી 2898 AD’ના પોસ્ટર સાથે વિશ્વવ્યાપી કમાણીના આંકડા શેર કરતાં લખ્યું હતું કે ‘દુનિયાભરમાં રૂ. 800 કરોડ, વૈશ્વિક બોક્સ ઓફિસ...’ સાથે સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે ‘બોક્સ ઓફિસ પર ફાયર, એપિક બ્લોકબસ્ટર કલ્કી થિયેટરમાં.’
ફિલ્મની સફળતાથી ઉત્સાહિત દિગ્દર્શક નાગ અશ્વિને ‘કલ્કી 2898 AD’ની અત્યંત અપેક્ષિત સિક્વલ માટેની તેની યોજના શેર કરતાં લખ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ લગભગ 20 ટકા તૈયાર છે. તેમણે એમ પણ લખ્યું હતું કે ફિલ્મની સિક્વલ કમલ હાસનના પાત્ર સુપ્રીમ યાસ્કીન પર કેન્દ્રીત હશે.