ગુજરાતની અમુલની શ્વેત ક્રાંતિ પર બનેલી શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંથન’નું 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ થયું હતું. 1976ની આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, ગિરિશ કર્નાડ, સ્મિતા પાટીલ અને અમરીશ પુરી જેવા કલાકારોએ અભિનય કર્યો હતો. ફિલ્મના સ્ક્રિનિંગ વેળા હાજર રહેલાં નસીસુદ્દીન, રત્ના પાઠક, સ્મિતા પાટીલનો દીકરો પ્રતિક બબ્બર અને ડો. વર્ગીસ કુરીઅનનાં પુત્રી નિર્મલા કુરીઅનની તસવીરો વાયરલ થઈ હતી. નસીરુદ્દીન શાહ આ પ્રકારના કાર્યક્રમોમાં બહુ ઓછા જોવા મળતાં હોય છે, ત્યારે તેમના શેરવાની લૂકને ઘણા ફેન્સે વખાણ્યો હતો. તેઓ પ્રથમ વખત કાન્સ ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતા. તેમણે કાન્સની રેડ કાર્પેટ પર ગળાબંધ સફેદ શેરવાની પહેરી હતી. જ્યારે રત્ના પાઠકે સિલ્કની ગ્રીન ઈન્ડિયન સાડીને મોર્ડન લૂક આપ્યો હતો. ફિલ્મના સ્ક્રિનીંગ બાદ સમગ્ર કાસ્ટને દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. પ્રતિકે આ ક્ષણોનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફિલ્મના સ્ક્રિનિંગ પહેલાં પ્રતિક બબ્બરે ઈન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ મુકી હતી. જેમાં તેણે પોતાની માતા સ્મિતા પાટીલને યાદ કરીને લખ્યું હતું કે, તેમની વિદાયનાં 37 વર્ષ પછી પણ તેમનો વારસો જળવાઈ રહ્યો છે, તેમની વિદાયનાં આટલાં વર્ષ પછી પણ મોટાં પડદે તેમનો ચહેરો જોઈ શકીશ.’ 1976માં આ ફિલ્મ ક્રાઉડ ફંડિંગથી બની હતી, જેમાં દરેક ખેડૂતે 5 રૂપિયા આપ્યા હતા અને આમ ભંડોળ ઉભું કરાયું હતું. આ ફિલ્મમાં કુલભૂષણ ખરબંદા, અનંત નાગ અને સુરેશ બેદી પણ હતા.