લંડનની અગ્રણી યુનિવર્સિટી ઓફ લોએ હિન્દી ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાનને ડોક્ટરેટની માનદ્ ડિગ્રીથી સન્માનિત કર્યો છે. આ સન્માન શાહરુખની સમાજસેવાને બિરદાવવા માટે આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં યોજાયેલી ૩૫૦ વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન સેરેમનીમાં શાહરુખને આ વિશેષ સન્માન એનાયત થયું હતું. શાહરુખનું મીર ફાઉન્ડેશન એસિડ-એટેક પીડિતાઓ તેમજ નારી સશક્તિકરણ માટે કામ કરે છે. શાહરુખે પોતાને મળેલા સન્માનનો ફોટો ટ્વિટર પર શેર કરતાં ટ્વીટ કર્યું હતું, ‘આ સન્માન બદલ યુનિવર્સિટી ઓફ લોનો ખૂબ આભાર... ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને પણ ભરપૂર શુભેચ્છા. આ સન્માન મીર ફાઉન્ડેશનની મારી ટીમને હંમેશાં નિઃસ્વાર્થ સેવા કરવા માટે પ્રેરિત કરતું રહેશે.’