રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મરાઠી ફિલ્મ ‘કોર્ટ’ને ઓસ્કાર-૨૦૧૬ માટે ભારતની સત્તાવાર ફિલ્મ તરીકે રજૂ કરાશે. ભારતીય ન્યાયતંત્રનું ચિત્ર રજૂ કરતી આ ફિલ્મ સામે સ્પર્ધામાં પીકે, હૈદર અને બજરંગી ભાઈજાન સહિતની ફિલ્મો પણ હતી. શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની કેટેગરી માટે ‘કોર્ટ’ ભારતની અધિકૃત ફિલ્મ હશે.
ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી સુપ્રણ સેને કહ્યું હતું કે, ઓસ્કાર માટે ૩૦ ફિલ્મો સ્પર્ધામાં હતી જેમાંથી ૧૭ સભ્યોની જ્યૂરીએ સર્વસંમતિથી ‘કોર્ટ’ને પસંદ કરી હતી. જ્યૂરીના વડા અમોલ પાલેકર છે. નોંધપાત્ર બાબત એ છે કે દિગ્દર્શક ચૈતન્ય તામ્હણેની આ સૌપ્રથમ ફિલ્મ છે.
‘કોર્ટ’ને આ વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડસમાં પણ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ૨૦૧૪માં વેનિસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે તેનો પ્રીમિયર પણ યોજાયો હતો.