અભિનેતા વિદ્યુત જામવાલની ફિલ્મ ‘ક્રેક’ તાજેતરમાં રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહેતાં અભિનેતાને જંગી આર્થિક નુકસાન ખમવું પડ્યું હતું. આ સમય બહુ કપરો હતો, અને અભિનેતા ખુદ કહે છે તેમ ફિલ્મ ફ્લોપ ગયા પછી તે ફ્રાન્સની સર્કસ મંડળીમાં જોડાઈ ગયા હતા અને સર્કસના કલાકારો પાસેથી તેને ખૂબ જ શીખવા મળ્યું. એક મુલાકાતમાં વિદ્યુતે કબૂલ્યું હતું કે ‘ક્રેક’ ફિલ્મ આશા મુજબ સફળ ના રહી. 45 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી ફિલ્મે માત્ર 17 કરોડની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર સારો દેખાવ નહીં કરનારી વિદ્યુતની આ બીજી ફિલ્મ હતી. તે પહેલાં ‘આઇબી-17’ ફિલ્મ પણ સારો દેખાવ નહોતી કરી શકી. તે ફિલ્મના તેઓ સહનિર્માતા હતા. આ ફિલ્મ રૂ. 40 કરોડના ખર્ચે તૈયાર થઈ હતી, પણ 29 કરોડની આવક જ કરી હતી. વિદ્યુતે કહ્યું કે ફિલ્મની અસફળતા પછી તેણે પહેલું કામ ફ્રાન્સિસી સર્કસમાં જોડાવાનું કર્યું હતું. તેમણે કહ્યું કે ‘મોટું નુકસાન થયું હતું અને તે સ્થિતિનો સામનો કઈ રીતે કરવો તે સૌથી મોટો સવાલ હતો. જે લોકો પહેલાં નાણાં ગુમાવી ચૂક્યા હતા અને જે મિત્રો તમારી ચિંતા કરતા હોય તેઓ આ સ્થિતિમાં અનેક સલાહ આપવા લાગે છે. મારા માટે આ બધી સલાહોથી દૂર થઈ જવું ખૂબ જરૂરી હતું. આથી હું ફ્રાન્સિસી સર્કસમાં જોડાઈ ગયો અને સર્કસના ખૂબ સારા કલાકારો સાથે 14 દિવસ વિતાવ્યા હતા. મુંબઇ પાછો ફર્યો ત્યારે બધું શાંત થઈ ચૂક્યું હતું.’