પૂરા તેર વર્ષ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ક્રાંતિકારી ગણાતા દિગ્દર્શક પ્રકાશ ઝાએ જૂના ટાઈટલમાં છોગા સાથે નવી નક્કોર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું નામ ‘જય ગંગાજલ’ છે. વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘ગંગાજલ’ની સ્ટોરી સાથે ‘જય ગંગાજલ’ની સ્ટોરીને નાહવા નીચોવવાનોય સંબંધ નથી. હા, તેમની દરેક ફિલ્મમાં હોય એમ આ ફિલ્મમાં પણ શામ, દામ, દંડ, ભેદનો ડ્રામા ભરપૂર છે.
વાર્તા રે વાર્તા
બિહારના બનિકપુર જિલ્લામાં ગુંડાતત્ત્વો માઝા મૂકી ચૂક્યાં છે. આ જિલ્લામાં આભા માથુર (પ્રિયંકા ચોપડા)ને સુપરિટેન્ડેન્ટ તરીકે આવે છે. આભા પ્રામાણિક પોલીસ અધિકારી છે. આભા જુએ છે કે અહીં પોલીસનું માન નથી અને પોલીસ કર્મચારીઓ લાંચ લઈને ગુનાઓ સામે આંખો બંધ કરીને બેસી જાય છે. વળી, કોઈ પોલીસ કર્મચારી તો પોતે જ ગુંડો છે અને કોઈ પોલીસ કર્મચારી ગુના આચરવામાં ગુંડાતત્ત્વોના મદદનીશ તરીકે ફરજ બજાવે છે. આભા અહીં આવેલી પ્રથમ મહિલા પોલીસ-અધિકારી છે. તેથી ગુંડા મવાલીઓ તો ઠીક, એના સ્ટાફના કેટલાક માણસો પણ તેને વાસનાની નજરથી જુએ છે. જોકે આભા આક્રોશ, પ્રામાણિક્તા અને કર્તવ્યનિષ્ઠાથી આ બધાને સણસણતા જવાબ આપતી જાય છે.
આભાએ છેડેલી સચ્ચાઈની લડાઈમાં માથાભારે ગણાતા સ્થાનિક વિધાનસભ્ય કોલ સાથે તેનો પનારો પડે છે. આભા આ કેસમાં બળ અને કળથી કામ લે છે. આ ફિલ્મના કેરેક્ટરમાં વખાણવા લાયક ટ્વીસ્ટ હોય તો એ છે કે આભાના ખાતાનો મહાભ્રષ્ટ પોલીસ અધિકારી ભોલાનાથ સિંહ (પ્રકાશ ઝા) આભાથી અંજાઈ જાય છે. તેનું હૃદય પરિવર્તન થાય છે અને તે આભાને સાથ આપવા લાગે છે.
ડિરેક્ટર બન્યા એક્ટર
ફિલ્મના દિગ્દર્શક પ્રકાશ ઝાએ પહેલી વખત બોલિવૂડમાં એક્ટર તરીકે આ ફિલ્મથી પદાર્પણ કર્યું છે. પ્રિયંકા ચોપરાએ આભાના કેરેક્ટરને સારો ન્યાય આપ્યો છે. તેણે ભજવેલા કેટલાક એક્શન સીન્સ ખૂબ જ વખણાયા છે. એની પાછળનું કારણ કદાચ એ હોઈ શકે કે આભાના પાત્ર માટે પ્રિયંકાએ વીસ દિવસની સ્પેશિયલ એક્શન ટ્રેનિંગ લીધી હતી.
આભા મેડમસર
‘જય ગંગાજલ’માં દેશનાં સૌપ્રથમ મહિલા પોલીસ અધિકારી કિરણ બેદીના જીવનમાં બનેલી કેટલીક ઘટનાના અંશો લેવામાં આવ્યા છે. કિરણ બેદી ડ્યુટી પર હોય ત્યારે તેમને કોઈ ‘મેડમ’ કહીને સંબોધે એ તેમને પસંદ નહીં. તેમનું માનવું છે કે તેઓ જે ખાતા અને પદ પર હતાં તેમાં ‘સર’નું જ સંબોધન હોય. આથી તેમનો સ્ટાફ કિરણને ‘મેડમસર’ કહેતો. આ ફિલ્મમાં આભાનો પણ એવો જ આગ્રહ હોય છે કે તેને યોગ્ય સંબોધન કરાય. તેથી જ તેનો સ્ટાફ તેને ‘મેડમસર’ કહીને બોલાવતો ફિલ્મમાં દેખાય છે.